લ્યો, આ આવી ગયો ગુજરાત લિટરેચર ફેસ્ટીવલઃ કયાં છે મુખ્ય આકર્ષણો?

અમદાવાદ: છેલ્લાં સાત વરસથી યોજાઈ રહેલો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એની આઠમી આવૃત્તિમાં પ્રવેશી રહ્યો છે ત્યારે આ વખતે સાહિત્યોત્સવ સાવ અલગ જ અંદાજમાં રજૂ થવાનો છે. ગુજરાતના આંગણે સાહિત્ય-કલારસિકો માટે આ વખતે લિટરેચર ફેસ્ટિવલ એમનાં અપેક્ષિત આયોજનો સાથે બીજાં અનેક આકર્ષણો લઈને આવી રહ્યું છે.

18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ ઉત્સવમાં અલગ-અલગ વિષયના છ ફેસ્ટિવલ યોજાવાના છે, જેમાં ઉદ્યોગપતિઓ માટે બીઝ-લીટફેસ્ટ, કલાસ્થાપત્ય માટે આર્ટફેસ્ટ ને ફૂડફેસ્ટિવલનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની પહેલ તરીકે આ વખતે અમદાવાદમાં પહેલીવહેલીવાર ઈન્ડિયન સ્ક્રીનરાઈટર્સ ફેસ્ટિવલ યોજાશે, જેમાં હિન્દી ફિલ્મોના 30 લેખકો જોડાશે. સ્ક્રીનરાઈટિંગ શીખવવા માટે ફેસ્ટિવલ સાથે વર્કશોપ્સ પણ યોજાવાના છે.

(ફેસ્ટીવલની જાણકારી આપતા આયોજકો)

ફેસ્ટીવલમાં ગુજરાતી ઉપરાંત હિન્દી ને અંગ્રેજી ભાષામાં પણ વિશિષ્ટ સેશન્સ યોજાશે. આખા આયોજનમાં અનેક સિદ્ધહસ્ત સાહિત્યકારો, કલાકારો, નિષ્ણાતો ને ફિલ્મી હસ્તીઓ સહિત કુલ 200થી વધુ વક્તા-કલાકારો અમદાવાદના સાહિત્યરસિકો સાથે જોડાશે.

આ વરસનો બીજો એક મહત્વનો ઉપક્રમ છે કાન્તિ ભટ્ટ એવોર્ડ્સ. થોડા સમય પહેલાં જ અવસાન પામેલા આપણા લબ્ધપ્રતિષ્ઠિત પત્રકાર-લેખક કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં શ્રીમતી શીલા ભટ્ટ દ્વારા ‘કાન્તિ ભટ્ટ પત્રકારત્વ પારિતોષિક’ની શરૂઆત પણ જીએલએફના ભાગરૂપે થશે. ઈન્ટરનેટ અગાઉના જમાનામાં પોતાના આગવા ઈન્ફર્મેશન જર્નાલિઝમ દ્વારા ગુજરાતી પ્રજાની જિજ્ઞાસાને પોષનારા કાન્તિ ભટ્ટ માટે એક આખું વિશિષ્ટ સેશન આયોજિત થવાનું છે, જેમાં શીલા ભટ્ટ, ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી, જન્મભૂમિ ગ્રુપના સીઈઓ કુંદન વ્યાસ, પત્રકાર આશુ પટેલ ને પત્રકાર રાજ ગોસ્વામી કાન્તિભાઈના પ્રદાન વિશે વાત કરશે. કાન્તિ ભટ્ટ પત્રકારત્વ પારિતોષિકમાં ભાગ લેવા માટે પત્રકારોએ 1 ડિસેમ્બર 2018થી 30 નવેમ્બર 2019 વચ્ચે પ્રિન્ટ-ડિજિટલ પ્લટફોર્મ પર પ્રકાશિત રિપોર્ટ્સ-અહેવાલો 16 ડિસેમ્બર 2019 પહેલા gujlitfest@gmail.com અને sheelabhatt2010@yahoo.com પર મેઈલ કરવાના રહેશે.

(જીએલએફ-ફાઇલ ફોટો)

આ ઉપરાંત, જાણીતાં નવલકથાકાર-વક્તા કાજલ ઓઝા-વૈદ્ય અભિનિત નાટક ‘એકલો જાને રે’ની વિશિષ્ટ રજૂઆત પણ આ ફેસ્ટિવલના ભાગરૂપે કરવામાં આવશે. કટારલેખક જય વસાવડા પરિકથાઓ વિશે વાત કરશે. જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી પણ આર્ટફેસ્ટમાં વાત કરશે. ફિલ્મી દુનિયામાંથી અંજુમ રજબઅલી, વિશાલ ભારદ્વાજ, વિજયેન્દ્ર પ્રસાદ જેવી હસ્તીઓ સાથે પણ સંવાદ યોજાશે. ચિત્રલેખા પણ આ ફેસ્ટીવલમાં મિડીયા પાર્ટનર તરીકે જોડાયું છે.

આ વખતે ફેસ્ટિવલનાં તમામ આયોજનો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજાવાનાં છે.

(અહેવાલઃ સુનીલ મેવાડા, તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)