અમદાવાદ: ઉત્સવો અને તહેવારોની મોસમ આવે એટલે સિઝનેબલ ધંધો કરનારા ઉત્પાદકો, વેપારીઓ સજ્જ થઇ જાય. એ પતંગ, ફટાકડા, રાખડીઓ, રંગ-પિચકારી જેવી તમામ ચીજવસ્તુઓ દુકાન-હાટડીયો અને માર્ગો પરના મંડપોમાં જોવા મળે. પણ, મંદી અને ઉત્સવોના ઉત્સાહમાં ફીકાશ આવે ત્યારે વેપાર-ધંધા ધોવાઇ જાય. વેપાર નાનો હોય કે મોટો મંદી અને રસ વિહોણા માહોલની અસર સૌને થાય. પતંગોત્સવ ઉત્તરાયણ આવે એટલે ઘણાં લોકોને પેટિયું રળવાની આશા સાથે નવો વિકલ્પ મળે. પતંગ-દોરી બનાવનાર વેચનાર સાથે અનેક લોકોને રોજગાર મળે.
થોડા વર્ષો પહેલા દિવાળી જાય કે તુરંત જ નાના મોટા સૌ પતંગ રસિયાઓ ધાબે-છાપરે કે મેદાનોમાં પતંગની મોજ માણતા હતા. જેના કારણે દોરીઓ માર્ગો પર પડતી અને રાહદારીઓ અને વાહનચાલકો ઘવાતા હતા. એમાંય ધારદાર ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકો ગંભીર ઇજાઓ પહોંચે છે. દોરીઓથી થતી ઇજાઓને રોકવા વાહન ચાલકોએ અવનવા નુસખા અપનાવવાના શરુ કર્યા. ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ.એમાંય છેલ્લા કેટલાય વર્ષો થી વાહનો ના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરુઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય.
જેના કારણે ઉત્તરાયણ દરમિયાન વાહનોના સ્ટિયરિંગ પર સળિયા લગાવવાનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. આ વર્ષે અમદાવાદ શહેર ના જુદા જુદા વિસ્તારની ફૂટપાથો અને માર્ગને અડીને આવેલા મેદાનોમાં વાહનો પર લગાડનારા સંખ્યાબંધ લોકો વેપાર ધંધા માટે બેઠા છે. પણ…. વેપાર એકદમ ઓછો છે.. કારણ..પહેલાની જેમ ઉત્તરાયણ પૂર્વે આકાશમાં ભરચક પતંગો ચગતી હતી. આ વર્ષે પતંગો આકાશમાં નહિવત ઉડી રહી છે. માર્ગો પર દોરીઓ પડવાનું પ્રમાણ ઘટતા વાહનો પર સળિયા લગાડવાનો વેપાર ઠંડો થઇ ગયો છે. અંદાજે પચ્ચાસ રુપિયામાં ટુ વ્હીલર પર સળિયો લગાડતા અઢળક લોકો રસ્તા પરની ફૂટપાથ અને બ્રિજ પર અંડીગો લગાવી બેઠા છે. પણ લોકોની જીવાદોરી બચાવતા આ સળિયા વાળાનું ધંધા રુપી જીવનચક્ર હાલ મંદુ પડી ગયું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)