યુનાઇટેડ સ્ટેટ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ ગુજરાત સરકાર અને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના પ્રતિનિધિઓ સાથે મળીને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, વિચારક આગેવાનો અને અકેડેમિશિયનો માટે અમદાવાદમાં રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનું સહઆયોજન ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સ (IACC) અને જ્ઞાન ભાગીદાર તરીકે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો. દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડટેબલ TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology) પહેલના એક ભાગરૂપે યોજાઈ હતી, જે અમેરિકા અને ભારત વચ્ચેની ટેકનોલોજી સહયોગને આગળ વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. TRUST પહેલને તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાત બાદ ફરીથી મજબૂત બનાવવામાં આવી હતી.
ટેકનોલોજીના કેન્દ્ર તરીકે અમદાવાદ
અમદાવાદ, જેની ઓળખ મેન્યુફેક્ચરિંગ, નવીનતા અને શિક્ષણના હબ તરીકે થાય છે, એ TRUST પહેલ માટે યોગ્ય માહોલ પૂરું પાડે છે. અહીંની ઉદ્યોગ ક્ષમતા, કટિંગ-એજ રિસર્ચ, કુશળ એન્જિનિયરો અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી યુ.એસ.-ભારત વચ્ચેના સહયોગમાં નવી દિશા મળી શકે છે. આ બેઠકમાં ઉદ્યોગના નવા ટ્રેન્ડ્સ, પડકારો, નીતિ સંકેતો અને ટેક્નોલોજીકલ નવતરતાને કેવી રીતે વધારવી તે અંગે ચર્ચાઓ થઈ. ઉદ્યોગ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ વધારવાનો પણ આગ્રહ થયો.
મુંબઈ, નાગપુર, પુણે બાદ હવે અમદાવાદ
આ રાઉન્ડટેબલ ચર્ચા ચાર ભાગોની શ્રેણીનો અંતિમ ભાગ હતો. પહેલા ત્રણ કાર્યક્રમ મુંબઈ (15 જાન્યુઆરી), નાગપુર (28 ફેબ્રુઆરી) અને પુણે (27 માર્ચ) માં સફળતાપૂર્વક યોજાયા હતા. દરેક સ્થળે ઉદ્યોગ અને રાજ્ય સરકારના પ્રતિસાદ ખૂબ હકારાત્મક રહ્યા હતા. ચોથી બેઠક અમદાવાદમાં યોજાઈ અને તેમાં ખાસ કરીને સરકાર, એકેડેમિયા અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના વધુ ઘનિષ્ઠ સહયોગની જરૂરિયાતને રેખાંકિત કરવામાં આવી. આ શ્રેણીનો ગ્રાન્ડ ફિનાલે આવી રહેલ જૂનમાં મુંબઈમાં યોજાશે જ્યાં આગામી પગલાં અને નવી ટેક્નોલોજી વિકાસ માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા થશે.
ગુજરાત બનતું જાય છે સેમિકન્ડક્ટર હબ
મુંબઈના યુ.એસ. કાઉન્સલ જનરલ માઈક હેંકીએ જણાવ્યું કે, “સેમિકન્ડક્ટર ઉદ્યોગ આધુનિક ટેક્નોલોજીનો મૂળ આધાર છે અને અમદાવાદ એ શહેર છે જ્યાં ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને નીતિનિર્માતાઓ ઘણા વર્ષોથી સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.”
તેમણે કહ્યું કે, “અમે ખૂબ ઉત્સાહિત છીએ કે અમેરિકાના ખાનગી ક્ષેત્રે પહેલાથી જ ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં રોકાણ શરૂ કર્યું છે. તેના ઉદાહરણ તરીકે માઇક્રોનનું ગુજરાતમાં પ્રારંભિક રોકાણ અને લેટિસ સેમિકન્ડક્ટરનું પુણેમાં આર એન્ડ ડી ઓફિસનું ઉદઘાટન આપી શકાય.”
આ નવી પહેલો પશ્ચિમ ભારતને ટેક્નોલોજી અને રોજગારીની દૃષ્ટિએ વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને ધોળેરામાં ઉભી થતી ‘સેમિકન્ડક્ટર સિટી’ ગુજરાતને આ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ હબ બનાવશે.
