અમદાવાદઃ ભાજપના માનનીય સાંસદ નરહરિ અમીન અને સર્વોદય સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સોમાભાઈ મોદીએ રવિવારે એક સ્પેશિયલ વેહિકલ્સનું અનાવરણ કર્યું હતું, જે વર્લ્ડ પીસ રેલી 2022ની બીજી આવૃત્તિનો હિસ્સો હશે. આ અનાવરણ સમારંભ કર્ણાવતી ક્લબમાં યોજવામાં આવ્યો હતો અને અમદાવાદસ્થિત નોટ-ફોર-પ્રોફિટ સંગઠનો સાંઈ વિમેન એન્ડ ચિલ્ડ્રન્સ વેલફેર ટ્રસ્ટ તથા રોટી બેંક-અમદાવાદ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની વાર્ષિક પહેલને આગળ વધારતાં વર્લ્ડ પીસ રેલીને પહેલી જુલાઈએ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમથી રવાના કરવામાં આવશે.
ભારતીય સશસ્ત્ર દળો, પેરામિલિટરીનાં દળો તથા લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના ઓછામાં ઓછા 30 જેટલા શાંતિદૂતો અમદાવાદથી રોડ માર્ગે પાકિસ્તાનમાં આવેલા કરતારપુર અને ભારતના પંજાબમાં આવેલ વાઘા બોર્ડર થઈ લેહ, લદ્દાખ સુધી આ રેલીને લઈ જશે. 10 SUVમાં રવાના થનારી આ રેલી અંદાજે 22 દિવસોમાં 5000 કિમીનું અંતર કાપશે, જે દરમિયાન એ પાંચ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશો (ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ)માંથી પસાર થશે.
ભાજપના સાંસદ નરહરીભાઈ અમીને જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ યાત્રાને અમારા તરફથી અને સરકાર તરફથી બધી જ સહાય પૂરી પાડવામાં આવશે.
સાંઈ વિમેન એન્ડ ચિલ્ડ્રન્સ વેલફેર ટ્રસ્ટ અને રોટી બેંક, અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી બી. એમ. સુદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 20 શાંતિદૂતો (દિવ્યાંગ શાંતિદૂતો સિવાય) પણ આ રેલીનો હિસ્સો બનશે. વિશ્વ શાંતિ સ્થાપવી એ અમારો મૂળ મંત્ર છે અને અમે આ સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવવા માગીએ છીએ.
આ પ્રસ્તાવિત રેલીનું સુગમતાપૂર્વક સંચાલન થઈ શકે તે માટે નરસિંહા કોમાર, આઇપીએસ, એડિશનલ ડિરેક્ટર જનરલ (લો એન્ડ ઓર્ડર)નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
