અમદાવાદા: ગુજરાતમાં મોડો મોડો પણ આખરે શિયાળો જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજથી ત્રણ દિવસ એટલે કે, 26, 27 અને 28 ડિસેમ્બરે ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરશિયાળે ભાદરવાના એંધાણ થઈ રહ્યા છે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી વકી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધવાની શક્યાતાઓ છે જેના કારણે ઠંડી ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે, જેથી આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર ઓછું રહેશે. ત્યારબાદ ફરી ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું મોજું ફરી વળશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલી જોવા મળી હતી. વરસાદની આગાહી સાથે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા તો તેનાથી પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં સૌથી વધુ લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 18.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના 20 જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 3 કેન્દ્રશાસિત પ્રદેશનો પણ સમાવેશ થાય છે. કચ્છ, પંચમહાલ, ગીરસોમનાથ, છોટાઉદેપુર, અમરેલી, નર્મદા, ભાવનગર, તાપી, દીવ, સુરત, બનાસકાંઠા, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અવલ્લી, ડાંગ, દમણ, મહીસાગર, દાહોદ અને દાદરાનગર હવેલી પર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયેલો છે.