ઉત્તરાયણ પર અકસ્માતમાં બેનાં મોતઃ 108ને 2916 ફોનકોલ

અમદાવાદઃ રાજ્યમાં આબાલવૃદ્ધ સહિત સૌકોઈ ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઊજવી રહ્યા છે, પણ રાજ્યમાં અકસ્માતના બનાવો પણ બન્યા છે, જેમાં પતંગ પકડવા વખતે અકસ્માત, ધાબા પરથી પટકાવવા તેમ જ પતંગની દોરી વાગવાથી થતાં અકસ્માતો થયા છે. રાજ્યમાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં બપોર સુધીમાં 2916 કોલ આવ્યા છે. જે ગયા વર્ષના ડેટા 2638 કરતાં 278 કોલ વધુ છે.

આ ફોનકોલમાં અકસ્માતના પતંગની દોરીને કારણે ગળું કપાયા હોવાની 62 ઘટનાઓ સામે આવી છે, જ્યારે અકસ્માતના 400 બનાવો નોંધાયા છે. આ ઉપરાંત ધાબા પર પટકાવાના અત્યાર સુધીમાં 164 બનાવો નોંધવામાં આવ્યા છે અને દોરી વાગવા સહિતના શારીરિક હુમલાના 108 કિસ્સા બન્યા છે.

રાજ્યમાં ઉત્તરાયણમાં સૌથી વધુ ઇમરજન્સી સેવા માટે અમદાવાદમાંથી કોલ આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં પતંગની દોરી વાગવાના 25, માર્ગ અકસ્માતના 56 અને અકસ્માતે ધાબા પરથી પટકાવાના 36 કોલ આવી ચૂક્યા છે.

ઉત્તરાયણના દિવસે પક્ષીઓ સબંધિત ઇમરજન્સીના કેસો પણ ચિંતાજનક વધારો જોવા મળે છે, જેમાં પક્ષીઓ માટે 336 કોલ, પ્રાણીઓ માટે 723 અને પશુ-પક્ષીઓ માટે કુલ 1059 કોલ આવ્યા છે.

મહેસાણા, વડોદરામાં બેનાં મોત

ઉત્તરાયણના દિવસે મહેસાણામાં પતંગની દોરી વાગવાથી ચાર વર્ષની બાળકીનું મોત થયું છે, જ્યારે વડોદરામાં પૂલ પર દોરી વાગતા એક યુવકનું મોત થયું હતું. 35 વર્ષના રિંકુભાઈનું પૂલ પર દોરી વાગવાથી અકસ્માતે મોત થયું છે.

સેલ્ફી લેવા જતાં ચાર ડૂબ્યા

જૂનાગઢના માળિયાહાટીમાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી ડૂબી ગયાં હતાં. એક યુવતી તેમ જ ત્રણ યુવકો ઉત્તરાયણની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. તેઓ ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતાં તે ડૂબ્યો હતો. જેને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ડૂબ્યા હતા.