2014ની સરખામણીએ આ ચૂંટણીમાં ખૂબ બદલાયાં વ્યવસ્થાના આંકડા

અમદાવાદ- લોકસભા ચૂંટણી 2019માં કુલ સાત તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કનું મતદાન 11મી એપ્રિલે યોજાશે જયારે અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાશે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે જેને લઈને રાજ્ય ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે સજ્જ થયું છે. આ વખતે મતદાનમથકોમાં વધુ 142 પૂરક મતદાનમથકો ઉમેરાયા છે. મતદાર યાદીનો મુસદ્દો ૦૧/૦૯/૨૦૧૮નાં રોજ બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારે રાજ્યમાં ૫૧,૭૦૩ મતદાન મથકો હતાં, ત્યારબાદ જસદણ વિધાનસભા મતવિસ્તારમાં ૦૬ મતદાન મથકોનો ઉમેરો થતાં ૫૧,૭૦૯ મતદાન મથકો થયા હતાં.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૩૧/૦૧/૨૦૧૯નાં રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી, જે સંબંધે મતદારોની સંખ્યા ઉમેરો થતાં રાજ્યનાં મતદાનમથકોમાં ૧૪૨ મતદાન મથકોનો ઉમેરો થયેલ છે. હાલ રાજ્યમાં કુલ ૫૧,૮૫૧ મતદાન મથકો છે.

  • ૨૦૧૪માં લોકસભા ચૂંટણી સમયે ૪૫,૩૮૩ મતદાન મથકો હતા.
  • ૨૦૧૭માં વિધાનસભામાં ચૂંટણી સમયે ૫૦,૨૬૪ મતદાન મથકો હતા.
  • હાલનાં તબક્કે ૫૧,૮૫૧ મતદાન મથકો છે.
  • ૨૦૧૪ લોકસભા ચૂંટણીની સરખામણીએ ૬,૪૬૮ મતદાન મથકોનો વધારો થયો છે.

 

મતદાન મથકો ખાતે સુનિશ્ચિત ન્યુનતમ સુવિધા (AMF) પૂરી પાડવા સૂચના

આગામી ૨૩ અપ્રિલના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ માટે મતદાન થનાર છે. મતદાન મથકે આવનાર મતદારોને અગવડ ન પડે અને મતદારો તેઓના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે સારું મતદાન મથકે સુનિશ્ચિત ન્યુનતમ સુવિધા (AMF) પૂરી પાડવા ભારતનાં ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે મતદાન મથકે નીચે જણાવ્યાનુસારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

  • યોગ્ય ઢોળાવ ધરાવતાં રેમ્પ
  • પીવાના પાણીની સુવિધા
  • જરૂરી ફર્નિચર
  • દરેક મતદાન મથકે પ્રાથમિક સારવાર માટે જરૂરી દવાઓ સાથેની મેડિકલ કીટ
  • વીજળીની સુવિધા
  • મતદાન મથકે હેલ્પ ડેસ્કની સુવિધા
  • મતદાન મથકની જરૂરી માહિતી દર્શાવતા પોસ્ટર્સ લગાવવામાં આવશે
  • મતદાન મથકે મતદારોનાં માર્ગદર્શન સારૂ જરૂરી signage (દિશા ચિન્હો)
  • ટોઈલેટની સુવિધા
  • તાપ સામે રક્ષણ માટે મંડપ (shade)ની વ્યવસ્થા
  • દિવ્યાંગ મતદારોની સહાયતા માટે volunteersની વ્યવસ્થા
  • મતદાન મથકે સ્ત્રી અને પૂરૂષ મતદારો માટે અલગ અલગ લાઈન
  • દિવ્યાંગ મતદારોને માંગણી મુજબ મતદાન મથકે લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા.