સુરેન્દ્રનગરઃ “ગુજરાતમાં કોરોના પરીક્ષણ અને સારવાર માટેના કાર્યમાં સહભાગી થવા હું મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપી રહ્યો છું, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ટીમ સુરેન્દ્રનગર જરૂરિયાતમંદોને શ્રેષ્ઠ સારવાર કરી કોરોના વાયરસ સામેની લડત માટે સંપૂર્ણ તૈયાર છે.” ટ્વિટરના માધ્યમથી વ્યક્ત થયેલો આ નિર્ધાર સંવેદનશીલ સરકારના ભારતીય પ્રશાસન સેવાના અધિકારી એવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશનો છે.કોરોના રૂપી વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીઓ ખભે-ખભા મિલાવી લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તન-મન-ધનથી યોગદાન આપી રહ્યા છે. તેવા સમયે ઝાલાવાડના નામે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના સમાહર્તા કે. રાજેશએ પણ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટેના નિષ્ઠાવાન કાર્યની સાથે તેમના એક મહિનાના પગારની રૂપિયા ૧ લાખથી વધુની રકમ મુખ્યમંત્રી રાહતફંડમા આપીને સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. સંભવતઃ સમગ્ર દેશના ભારતીય પ્રશાસનિક સેવાના પ્રથમ અધિકારી બન્યા છે કે, જેણે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો હોય.
જિલ્લા કલેકટર કે. રાજેશ કહે છે, કોરોનાની મહામારી સમયમાં વડાપ્રધાન સહિતના સાંસદો અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યો દ્વારા તેમના પગારની ૩૦ ટકા રકમ રાહત ફંડમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી મને પણ થયું કે, હું પણ મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમા આપી સરકારની કોરોના સામેની લડાઈના કાર્યમાં આર્થિક રીતે સહભાગી બનું.