હમણાં 11 ડિસેમ્બરે જેમનો જન્મદિવસ ઉજવાયો એ આચાર્ય રજનીશ ઓશો તરીકે ઓળખાતા. ઓશોના કહેવા પ્રમાણે, આ નામ અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સના શબ્દ ‘ઓશીયાનિક’ માંથી લેવાયેલું, જેનો એક અર્થ થાય છે ભાવસાગરમાં વિલીન થઇ જવું.
1931માં 11 ડિસેમ્બરના રોજ જન્મેલા ઓશોનું શરીર વિલીન થયાને પાંત્રીસ વર્ષ (19 જાન્યુઆરી, 1990) થયા, પણ દેશ-વિદેશમાં ફેલાયેલા એમના અસંખ્ય અનુયાયીઓ માટે તો એ એમના ભાવજગતમાં આજે પણ જીવંત છે. વીસમી સદીમાં ભારતના કેટલાક શ્રેષ્ઠ વિચારકોમાં જેમનો સમાવેશ થાય છે એ ઓશો એમના ક્રાંતિકારી વિચારો અને તેજાબી ભાષણો માટે જાણીતા હતા. પરંપરાગત અને રૂઢીચુસ્તો સામે એમણે કરેલા સવાલો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એ વાત તો એમના વિરોધીઓ ય કબૂલે છે.
(અહીં રચાશે ઓશો ચેર)
આવા ઓશોના ચાહકો માટે એક ખુશખબર છે. ખુશખબર એ છે કે ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં ઓશોના જીવન-કવન પર વધારે સંશોધન થાય એ હેતુથી વિશેષ ઓશો ચેર શરૂ થઇ રહી છે. આગામી 23 જાન્યુઆરીના રોજ ઓશોના નાનાભાઇ પાણીપતસ્થિત ડો. શેખર અને પૂણેસ્થિત ઓશોના ચિત્રકાર ભત્રીજી પ્રતીક્ષા અપૂર્વની ઉપસ્થિતિમાં આ ચેરનું ઉદઘાટન થશે. ચેરના દાતા અને ઓશોના અનુયાયી અમેરિકાસ્થિત સ્વામી રમણ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
સ્વામી રમણ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, ‘હું કોલેજમાં ભણતો એ દિવસોમાં જ ઓશોના પ્રવચનો-વિચારોના પરિચયમાં આવ્યો. એ વિચારોએ મારા જીવનને નવી દિશા આપી એટલે મને થયું કે યુવાવસ્થામાં જે એનર્જી હોય છે એને ચેનેલાઇઝ કરવા માટે સ્પષ્ટ દિશા મળવી જરૂરી છે. મને યુવાવસ્થામાં જે મળ્યું એ જો હું આજના યુવાનોને ભેટ આપી શકું તો એનાથી વધારે સારુ બીજુ શું હોઇ શકે?’
(સ્વામી રમણ)
ભાવનગર જિલ્લાના નાના સૂરકા ગામના વતની સ્વામી રમણનું મૂળ નામ રમણિકભાઇ શામજીભાઇ વાઘાણી. વર્ષ 1977માં ખેતીવાડી કોલેજમાં ભણતા ત્યારે એનસીસીની ટીમના કેપ્ટન તરીકે પૂના જવાનું થયું ત્યારે ઓશો કમ્યુનની મુલાકાતે ગયેલા. ઓશોને મળ્યા અને એ ચુંબકીય વ્યક્તિત્વની આભામાં તણાઇ ગયા. અત્યાર સુધી ધર્મ, અધ્યાત્મ કે વિધિવિધાનની વાતોમાં ક્યારેય ન માનતા એવા રમણિકભાઇ ઓશો વિચારથી દૂર ન રહી શક્યા. પાછળથી સંન્યાસ લઇને સ્વામી રમણ નામ ધારણ કર્યું.
હાલ અમેરિકાના નોર્થ કેરોલિનાના રાલે સિટીમાં રહેતા સ્વામી રમણના પત્નિ, સંતાનો, એમના ભાઇ-બહેનો મળીને આખો પરિવાર ઓશો સાથે જોડાયેલો છે. પરિવાર દ્વારા ઓશો સંગમ ટ્રસ્ટ બનાવાયું છે, જે ઓશો ધ્યાન-સત્સંગ ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે.
આમ તો સ્વામી રમણ અગાઉ ભાવનગર યુનિવર્સિટીમાં જ ઓશો ચેર માટે ડોનેશન આપી ચૂક્યા છે, પણ છેલ્લે એ ભાવનગર આવ્યા ત્યારે આ કોલેજના ફાઉન્ડર ટ્રસ્ટી સુરેશ સવાણી અને પ્રિન્સિપાલ હેતલ મહેતા સાથે મુલાકાત થઇ. કોલેજની શિસ્ત અને વ્યવસ્થા જોઇને એ પ્રભાવિત થયા અને એમાંથી વિચાર આવ્યો કે ઓશો ચેર માટે જે વધારે પ્રવૃત્તિ કરવાની જરૂર છે એ આ કોલેજમાં સારી રીતે થઇ શકશે.
(ફાઉન્ડર ટ્રસ્ટી સુરેશ સવાણી)
કોલેજના ટ્રસ્ટી સુરેશ સવાણી અને પ્રિન્સિપાલ હેતલ મહેતા કહે છે, ‘આ ચેર અંતર્ગત ઓશોના વિચારો અંગે વધારે સંશોધન થાય, નિયમિત રીતે વ્યાખ્યાનમાળા યોજાય અને વર્ષ દરમ્યાન કોઇકને કોઇક પ્રવૃત્તિ સતત ચાલતી રહે એવું કરવા માગીએ છીએ.’
હાલ કોલેજની લાઇબ્રેરીમાં ઓશોના પુસ્તકો, ઓડિયો-વિડીયો મટીરિયલ સાથે એક વિશેષ કોર્નર તૈયાર કરાયો છે. ચેર શરૂ શશે એ પછી ખાસ રૂમ તૈયાર કરીને અહીં ઓશો વિચારને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
(પ્રિન્સિપાલ ડો. હેતલ મહેતા)
ઓશો માટે કહેવાય છે કે, એ નથી જન્મ્યા કે નથી મૃત્યુ પામ્યા. 11 ડિસેમ્બર 1931 થી 19 જાન્યુઆરી 1990 સુધી એ આ પૃથ્વી પર કેવળ આગંતુક હતા. એક એવા આગંતુક, જે ફક્ત 59 વર્ષની આયુમાં જે કાંઇ બોલ્યા એના પડઘા હજુ પણ વિચાર-વમળો સર્જ્યા કરે છે. ભાવનગરની કોલેજમાં શરૂ થઇ રહેલી આ ચેર એની સાબિતી છે.