અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે અમદાવાદમાં 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિની પહેલ હંમેશા કળાના વિવિધ સ્વરુપે જેવાકે, ચિત્રકળા, મૂર્તિઓ, પ્રતિષ્ઠાનો, સંગીત, નૃત્ય અને રંગમંચના મૌલિક, વિવિધ તેમજ અનોખા કાર્યોને શોધવા અને તેને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિવ્યક્તિએ કળાના આ સ્વરુપો થકી અમદાવાદની કલાત્મક સંસ્કૃતિને પરિભાષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટે શહેરના સ્વદેશી રચનાત્મક વિચારોને પોતાના ભાવ પ્રદર્શન માટે એક મંચ આપ્યો છે.
પ્રથમ બે સંસ્કરણો દરમિયાન મળેતા અભૂતપૂર્વ પ્રતિસાદે ખરા અર્થમાં અભિવ્યક્તિને વધુ સંખ્યામાં કલાકારોના કાર્યોને આગળ લાવવા માટે પ્રેરિત કર્યું છે. આ વર્ષે 30 કલાકારો 18 મેઈનસ્ટેજ અને 6 પ્લેટફોર્મ પર પર્ફોર્મન્સ રજૂ કરશે. આ ઉપરાંત 44 દ્રશ્ય કળાઓ 50 કલાકારો દ્વારા ડિઝાઈન તેમજ સ્થાપિત કરવામાં આવશે.
ઉદ્ઘાટન પૂર્વે બે પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની તાંડવ નર્તન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સના ડિરેક્ટર જિજ્ઞેશ સુરાણી દ્વારા ગરવો ગિરનાર અને 80 થી વધુ નાટકો તેમજ 30 જેટલી ફિલ્મોના અનુભવોથી સજ્જ ચેતન દૈયા નિર્દેશિત જિલેટિન પ્રસ્તુત કરવામાં આવ્યું.
ગિરનાર ગુજરાત રાજ્યનું સૌથી ઉંચુ પર્વત શિખર છે કે જે સંસ્કૃતિ, ઈતિહાસ, શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે. ગુજરાતીઓ હંમેશા તેને ગરવો ગિરનાર કહે છે, કારણ કે, તે વિવિધ ધાર્મિક સંપ્રદાયો જેવા કે, જૈન ધર્મ, શૈવ ધર્મ, શક્તિ સંપ્રદાય અને ગુરુ દત્તાત્રેયનો પણ પ્રતિક છે. ગિરનાર જતા શ્રદ્ધાળુઓ ત્યાંના અન્ય શિખરો પર આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ પણ જાય છે. જિજ્ઞેશ સુરાણીએ ભરત નાટ્યમ અને ગુજરાતી લોકનૃત્યના પોતાના બે દાયકાના અનુભવનું સંમિશ્રણ કરીને પર્વત અને શિખરોની આસપાસ ફરતી વાર્તાઓને વર્ણવતા અર્થસભર નૃત્યની રજૂઆત કરી.
સાંજની બીજી પ્રસ્તુતિ જિલેટિન, એક નાટકના સફળ થવામાં, ટીમવર્કના મહત્વની વાત કરે છે. નાટક જોતી વખતે કોઈના મનમાં એવા પ્રશ્નોની હારમાળા સર્જાય છે. જેમ કે, જો નિર્માણ ટીમ ગેરહાજર રહેશે તો નાટકનું શું થશે? નાટકની સફળ સમાપ્તિ માટે કોણ જવાબદાર છે? શું તે કલાકારો છે, લેખકો છે કે પછી નિર્માણ ટીમ? ચેતન દૈયા પોતાના અભિનય દ્વારા આ મૂંઝવણ રજૂ કરે છે. આ નાટકમાં એવું થાય છે કે, મહાભારતના નાટકના પ્રદર્શનમાં એક્ટિંગ અને પ્રોડક્શન વિભાગના લોકો વચ્ચે વિવાદ થઈ જાય છે. અભિનેતાઓને લાગે છે કે, તેઓ નાટકના અસલી નાયક છે અને ટેક્નિકલ ટીમ માત્ર એક બોજો છે. આ અભિનય મુંબઈની એક નાટ્ય પ્રતિયોગિતાની વાર્તા પ્રસ્તુત કરે છે. અભિનેતાઓ સ્પર્ધાના આયોજન સ્થળે પહોંચી જાય છે પરંતુ કોઈ અણધાર્યા સંજોગો પેદા થઈ જતા પ્રોડક્શન ટીમ ત્યાં પહોંચી શકતી નથી. પ્રોડક્શન ટીમ વિના આ પ્રસ્તુતી કેવી ઝાંખી પડી જાય છે તે આ નાટક રજૂ કરે છે. જિલેટિન નાટક ટીમ વર્કના મહત્વને અંકિત કરે છે.
ચેતન દૈયાને “હંગામા હાઉસ” માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. “કરસનદાસ પે એન્ડ યૂઝમાં” તેમને રેડિયો સિટી દ્વારા પીપલ્સ ચોઈસ એવોર્ડ ફોર બેસ્ટ નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા હોવાની સાથે-સાથે ચેતન “ઉપાસના પર્ફોર્મિંગ આર્ટ્સમાં” પ્રોફેસર તરીકે પણ કાર્યરત છે અને પોતાની કળા તેમજ જ્ઞાનને ઉત્સાહી વિદ્યાર્થીઓ સાથે વહેંચે છે. “જિલેટિન” ચેતનના શોખ પ્રત્યેના તેમના નિરંકુશ(નિષ્કલંક) સમર્પણને દર્શાવે છે.
અભિવ્યક્તિ એ UNM ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી એક અનોખી પહેલ છે, જે કળાને સ્થાન, શારીરિક તેમજ વ્યક્તિગત મર્યાદા અને સામાજિક અથવા આર્થિક મર્યાદા વિના પ્રેક્ષકોની સમક્ષ રજૂ કરીને, અમદાવાદ શહેરની સામાજિક ગૂંથણીનો અભિન્ન ભાગ બનવાની કલ્પના કરે છે.