વિશ્વ રેડિયો દિવસ પર યોજાયો ખાસ કાર્યક્રમ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં વર્લ્ડ રેડિયો ડે નિમિતે યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા રેડિયો એન્ડ ડાઈવર્સીટીના વિષય પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં જાણીતી સામાજિક અને સેવાકીય સંસ્થા સેવાના કોમ્યુનિટી રેડિયો રૂડીના રેડિયોમાં કામ કરતા બહેનોનું વક્તવ્ય યોજાયું હતું, જેમાં રૂડીના રેડિયોમાં કામ કરતાં સુનીતિ શર્મા, વર્ષા બહેન, હિરલ પ્રજાપતિ અને સુનિતા ઠાકોરે વિદ્યાર્થી જોડે પોતાના રૂડીના રેડિયો સાથે જોડાયેલા અનુભવ શેર કર્યા હતા.

રૂડીના રેડિયોમાં શરૂઆતથી જોડાયેલા વર્ષા બહેને રૂડિનો રેડિયો કયા પ્રકારના કાર્યક્રમ બનાવે છે, કોના માટે બનાવે છે શા માટે બનાવે છે અને રેડિયોના કાર્યક્રમો કયા વિષય પર બનાવે છે તે બાબતે માહિતી આપી હતી. વર્ષાબેને વધુમાં જણાવ્યું હતું કે, એક રેડિયો થકી પણ સામાજિક બદલાવ લાવી શકાય છે. 2005માં શરૂ થયેલા રૂડીના રેડિયો પાસે 2000થી વધુ તો કાયમી શ્રોતાગણ છે. વિવિધ સામાજિક સમસ્યા વિશે જાણકારી આપીને તે સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવુ તેવા કાર્યક્રમો પણ તેઓ બનાવે છે તેમના આ કાર્યક્રમોના ફિડબેકમાં તેમની પાસે આજે 5000થી વધુ પત્રોનો સંગ્રહ તેમની પાસે છે.

સંગઠિત થઈને કામ કરવું અને લોકોના વિકાસ માટે કામ કરવું તેમના લોહીમાં વસી ગયું છે. જ્યારે અંગે વધુમાં સુનીતિ શર્માએ જણાવ્યું હતું કે, યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા વિષય રેડિયો એન્ડ ડાઈવર્સીટીમાં રૂડીનો રેડિયો દરેક શ્રોતાગણોને વિવિધ કાર્યક્રમો પૂરા પાડે છે, તે નાના ભૂલકાથી લઈને ગામના વડિલોના  પ્રશ્નોનું નિરાકરણ અને મનોરંજન પૂરુ પાડે છે. તેઓ ખેડૂતો, મહિલા, બાળકો, વડિલો, પુરુષો માટેના કાર્યક્રમ બનાવે છે તેથી કહી શકાય કે રૂડીની રેડિયો એક ડાઈવર્સીફાય રેડિયો છે.