સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના ત્રણેય નરાધમો ઝડપાઈ ગયા છે. જેમાંથી આરોપી શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાનું 10મી ઓક્ટોબરે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. જે બાદ કસ્ટોડિયલ ડેથના મુદ્દે ભારે વિવાદ થયો હતો. આરોપીનું પોસ્ટ મોર્મ કરવામાં આવતા મોતનું સાચુ કારણ બહાર આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 10મી ઓક્ટોબરે માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેને તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડીની સારવાર બાદ તેનું મોત થયું હતું. ત્યારે આજે સિવિલ હોસ્પિટલનાં પીએમ વિભાગમાં આરોપીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેના પ્રથમિક રિપોર્ટમાં આરોપીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક આરોપીના હૃદયમાં બે બ્લોકેજ હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે. જોકે, એક મહિના પછી સંપૂર્ણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. મૃતક આરોપી શિવ શંકરનો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. જેની સામે ગુજરાત અને ગુજરાત બહારના મળીને 8 જેટલા વિવિધ કેસ નોંધાયેલા છે. જેમાં અંકલેશ્વરમાં 2 ગુના, કરજણ, કડોદરા, અમીરગઢમાં 1-1 ગુના દાખલ છે. જ્યારે આંધ્રપ્રદેશ, રાજસ્થાનમાં પણ અનેક ગુના નોંધાયેલા છે.
સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યાર બાદ આરોપીોને પકડવા પોલીસ માંડવીના તડકેશ્વર પહોંચી હતી. જ્યાં ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું અને અંતે શિવશંકર ચૌરસિયા અને મુન્ના કરબલી પાસવાન ઝડપાઈ ગયા હતા. પરંતુ રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. જેને અમદાવાદ રેલવે પોલીસે આજે ઝડપી લીધો છે. જો કે ગેંગરેપના આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસભત વિશ્વકર્મા રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરની ટ્રેનમાંથી ઝડપી લેવાયો હતો. છે. આરોપી વડોદરાથી ટ્રેનમાં બેઠો હતો જે અજમેર શરીફની દરગાહ પર માફી માગવા જઈ રહ્યો હતો.