કેનેસ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડને ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તને મંજૂરી મળી હતી. આ મંજૂરી પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેતી કેબિનેટ બેઠકમાં આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશથી આ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.
આ સેમીકન્ડક્ટ ઈકોસિસ્ટમ પ્લાન્ટમાં 3300 કરોડના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. જેમાં દરરોજની 60 લાખ ચિપ્સ બનાવવાની ક્ષમતા હશે. આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન વગેરે જેવા સેગમેન્ટનો સમાવેશ થાય છે.
ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21.12.2021ના રોજ નોટિફાઈડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂપિયા 76,000 કરોડનો ખર્ચ થશે. ત્યારે જૂન, 2023માં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી હતી. આ ઉપરાંત ફેબ્રુઆરી 2024માં વધુ ત્રણ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકંડક્ટર ફેબ અને આસામના મોરીગાંવમાં એક સેમીકંડક્ટર યુનિટ સ્થાપી રહી છે. સીજી પાવર દ્વારા ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે. તમામ 4 સેમીકંડક્ટર એકમોનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમોની નજીક એક મજબૂત સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ ઉભરી રહી છે. આ 4 એકમો લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એકમોની સંચિત ક્ષમતા દરરોજ લગભગ 7 કરોડ ચિપ્સ બનાવવાની છે.
