ડીઝલની અછતે 1200 ખાનગી બસોનાં પૈડાં થંભ્યા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પમ્પો પર ફ્યુઅલની અછતે ખાનગી ઓપરેટરોની બસોને ઠપ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિ દિન આશરે રૂ. 1.2 કરોડનું નુકસાન થયાનો દાવો કરતા ખાનગી બસ ઓપરેટરોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલતી 8000 ખાનગી બસોમાંથી આશરે 1200 બસો ડીઝલની અછતને કારણે રસ્તા પરથી ગાયબ થઈ ગઈ છે.

રાજ્યમાં 8000 ખાનગી બસોમાંથી 10થી 15 ટકા બસો ડીઝલની અછતને કારણે દોડતી બંધ થઈ ગઈ છે, એમ અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ મેઘજી ખેતાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક બસ સરેરાશ પ્રતિ દિન રૂ. 10,000નો વેપાર કરે છે. 1200 બસો દોડતી બંધ થઈ જાય તો રોજના રૂ. 1.20 કરોડનું નુકસાન થાય છે. તેમણે કહ્યું કે તેમની પાસે કુલ 200 બસોનો કાફલો છે, જેમાંથી 22 બસ હાલમાં ડીઝલની અછતને લીધે ઊભી રાખી દીધી છે.

એક ડીલરે જણાવ્યું હતું કે અગાઉ તેમને પ્રતિ દિન 15,000 લિટર પેટ્રોલ કે ડીઝલની જરૂરિયાત હોય તો તેઓ સવારે રૂપિયા ચૂકવી દેતા હતા અને સાંજ સુધીમાં અથવા રાત સુધીમાં પેટ્રોલ-ડીઝલનો સપ્લાય મળી જતો હતો. હવે અમે જરૂરિયાત પ્રમાણે સવારે પેમેન્ટ કરીએ તો પણ બે દિવસ પછી ડિલિવરી મળે છે.
પાવન ટ્રાવેલ્સના ડિરેક્ટર મૌલિક ત્રિવેદીએ જણાવ્યું કે તેમણે બસોમાં ડીઝલ ભરાવવા માટે જુદા જુદા પેટ્રોલ પંપ પર બસો મોકલવી પડે છે. તેઓ અગાઉ માત્ર અમદાવાદમાં બસોમાં ડીઝલ પૂરાવતા હતા, પરંતુ હવે જુદાં-જુદાં શહેરોમાં ડીઝલ ભરાવવું પડે છે. અત્યારે અમારી પ્રાથમિકતા ડીઝલ મેળવવાની છે, ભલે પછી ગમે ત્યાંથી મેળવવું પડે.