ચાંગા: અત્યાર સુધીમાં તમે પેપરલેસ ઓફિસ વિશે સાંભળ્યું હશે. ડીજીટલ ઇન્ડિયાની બૂમરાણો અને ગુલબાંગો વચ્ચે પેપરલેસ વ્યવહારો વિશે ય સાભળ્યું હશે, પણ પેપરલેસ પરીક્ષા વિશે ક્યાંય સાંભળ્યું છે?
ન સાંભળ્યું હોય તો સાંભળી લો કે હવે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ચારૂસેટ, ચાંગા દ્વારા લેવાતી યુનિવર્સીટી પરીક્ષાઓમાં રિફોર્મ પ્રોગ્રામ અંતર્ગત પેપરલેસ ડિજિટલ પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. રાજયભરમાં આ પ્રકારની પરીક્ષાની શરૂઆત કરવામાં ચારૂસેટ સૌ પ્રથમ યુનિવર્સીટી છે. આ પધ્ધતિમાં ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટમાં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે એટલે પર્યાવરણની જાળવણી તો થાય જ છે, સાથે સાથે પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો હોવાનો પણ યુનિવર્સિટીના સત્તાવાળાઓનો દાવો છે.
હકીકતમાં યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી દ્વારા ડિજિટલ એક્ઝામીનેશન અમલીકરણના અભિયાન અન્વયે આ શરૂઆત કરવામાં આવી છે. આ યુનિવર્સીટી અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે થયેલા સમજૂતી કરાર પ્રમાણે સિંગાપોરસ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ યુનિવર્સીટીને આ સુવિધા પૂરી પાડે છે.
યુનિવર્સીટીની શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA)ના ડીન–પ્રિન્સિપાલ અને ઇ-ગવર્નન્સ સિસ્ટમના કો-ઓર્ડિનેટર ડૉ. અતુલ પટેલ જણાવે છે કે, સમગ્ર યુનિવર્સીટીના 10 કોલેજોના પ્રથમ વર્ષના 2400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ માટે 1000 ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્નપત્રો કોમ્પ્યુટરમાથી કલાઉડ પર જાય અને ટેબ્લેટમાં અપલોડ થાય છે. પરીક્ષામાં બાયો મેટ્રિક આઈરિસ સ્કેનથી ઓથેન્ટીફિકેશન થાય છે. ટેબ્લેટ ડિવાઇસ બેટરી બેક અપ 14 કલાક છે ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને વાઇફાઈ કનેકશનથી ચાલે છે. આન્સર બુક એટલે ઉત્તરવહી ચેક થયા પછી વિદ્યાર્થીઓ જોઈ શકે છે.
આગળ જતાં ધીમે ધીમે તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પેપરલેસ પરીક્ષા લેવાશે. ભારતમાં ફક્ત બે કે ત્રણ યુનિવર્સિટીમાં આવી પરીક્ષા થાય છે.
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી કહે છે, ચારુસેટ વિવિધ ક્ષેત્રે અગ્રેસર પગલાં લે છે. આપણી પરીક્ષા પદ્ધતિ અટપટી છે એને સરળ બનાવવાના હેતુથી આ પ્રથા અમલી બની છે. અલગ અલગ વિષયના વિદ્યાર્થીઓ હવે સાથે બેસીને પરીક્ષા આપી શકશે.
શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA)ના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રો. મિત્તલ દેસાઇ કહે છે, આ પરીક્ષાની વિશેષતા એ છે કે એમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા કશું સાથે લાવવાની જરૂર નથી. પરીક્ષા પછી બધા જ પ્રશ્નપત્રો કલાઉડ-ઇન્ટરનેટ પર જાય પછી પ્રોફેસરો લૉગ ઇન કરી ચેક કરી શકે છે. પરીક્ષા દરમિયાન હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે વિદ્યાર્થીઓને ઇ-ટેબ્લેટ આપવામાં આવે છે જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે.