અમદાવાદઃ અમદાવાદ શહેર કોરોના વાઈરસને કારણે રેડ ઝોનમાં છે. દેશમાં હવે લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાનાં જે દર્દીઓ છે, એમાંથી 150 કરતાં પણ વધુ દર્દીઓની સારવાર અહીંની SVP હોસ્પિટલમાં થઈ રહી છે, મ્યુનિસિપલ કમિશનરે ફેસબુક લાઇવમાં પણ SVP હોસ્પિટલ ફુલ થઈ હોવાનું કહ્યું હતું. ગત્ દિવસોમાં હોસ્પિટલમાં કોરોના વાઇરસને લીધે સાત દર્દીઓનાં મોત થયાં હતાં. જેથી કોરોના વાઇરસનની દહેશત વચ્ચે SVP હોસ્પિટલના કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા મેડિકલ ચેકઅપ સહિતની વિવિધ માગણીઓ કરવામાં આવી હતી અને આ માગ ના સ્વીકારવામાં આવતાં કર્મચારીઓ દ્વારા અચાનક હડતાળ પણ કરવામાં આવી હતી.
SVP હોસ્પિટલમાં હાજર પોલીસ અધિકારીએ પોતાના તરફથી પ્રયાસો કરીને હોસ્પિટલના તંત્ર અને વિરોધ કરી રહેલા સ્ટાફને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. છેવટે આ હડતાળ સમેટાઈ પણ ગઈ છે.
હું મારા ખર્ચે તમારા બધાનું મેડિકલ ચેક અપ કરાવીશઃ પોલીસ અધિકારી
SVP હોસ્પિટલમાં હડતાળ કરી રહેલા કર્મચારીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા રજૂઆત કરવા માટે હોસ્પિટલની અંદર જતી વખતે હાજર પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા પેરા મેડિકલ સ્ટાફને સમજાવવાનો બનતો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા સ્ટાફને ત્યાં સુધી સમજાવ્યા હતા કે હું મારા ખર્ચે તમારા બધાનું મેડિકલ ચેકઅપ કરાવીશ. આમ પોલીસ અધિકારી દ્વારા આશ્વાસન મળતાં કર્મચારીઓ દ્વારા હડતાળ સમેટવામાં આવી હતી.
SVPના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા મેડિકલ ચેક અપ, ક્વોરોન્ટીન લીવ સહિતની માગ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા સ્ટાફ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર મામલે સમાધાન કરીને સ્ટાફની માગ સ્વીકારી લીધી હતી. એ સાથે જ SVP હોસ્પિટલના કામને રાબેતા મુજબ શરૂ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.