મોદીએ કહ્યું ‘હેપ્પી બર્થડે ગુજરાત’: રૂપાણી, અંબાણીએ પણ શુભેચ્છા આપી

અમદાવાદઃ ગુજરાત રાજ્ય આજે તેનો 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1 મે, 1960ના રોજ એ વખતના મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના ‘સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956’ના આધારે કરવામાં આવી હતી.

ભારતને બ્રિટિશરોના સકંજામાંથી આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા હતા દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, એ પણ ગુજરાતના હતા. દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને વડાપ્રધાન બન્યાં તે પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.

ગુજરાત રાજ્યના વતનીઓને આજે સ્થાપનાદિવસની શુભેચ્છા આપવામાં વડા પ્રધાન મોદીએ આગેવાની લીધી છે. એમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓના નવા શિખરો સર કરતું રહે એવી મનોકામના…. જય જય ગરવી ગુજરાત!’કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અમિત શાહે ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સહુ ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ… ગુજરાત તેના પરિશ્રમથી દેશમાં વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક બન્યું છે સાથોસાથ દેશના વિકાસમાં પણ સદૈવ અગ્રેસર રહ્યું છે. સહુ ગુજરાતીઓના નિરંતર કલ્યાણની શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાતમુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્થાપના દિને વીડિયો મેસેજ જાહેર કરી અને સંકલ્પ લીધો હતો. તેમણે શપથ લઈ અને રાજ્યની જનતાને સંદેશો આપ્યો હતો કે ‘ હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહીં. હું સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમનું ધ્યાન રાખીશ, ‘દો ગજ દૂરી’ સંકલ્પનું પાલન કરીશ. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનિટાઇઝ કરીશ.’શિવરાજ સિંહે પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, બાપુ અને લોહ પુરુષની પગરજથી પાવન થયેલી એવી પુણ્યધરા ગુજરાતને સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ!જે.પી.નડ્ડાએ પણ ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, ગુજરાતના સ્થાપના દિવસ પર તમામ ગુજરાતની જનતાને હાર્દિક શુભકામના. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ભાજપની પ્રદેશ સરકાર કોરોના સંક્રમણને રોકવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. હું કામના કરું છું કે, આવનારા વર્ષોમાં ગુજરાત, પ્રગતિની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરે. ગુજરાતના તમામ નાગરિકોને તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તેની શુભેચ્છા પાઠવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કાર્યકરોને કહ્યું કે, મુખ્યમંત્રી  વિજય રૂપાણી દ્વારા ફેસબુક લાઇવના માધ્યમથી જણાવ્યાનુસાર આપણે સૌ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે  આટલી બાબત પર ધ્યાન આપીશું.

૧. બહાર જતી વખતે ફરજીયાત માસ્ક પહેરવું, ૨. સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, ૩. વારંવાર સાબુથી હાથ સાફ કરવા. આ ત્રણ સંકલ્પ લઈને 15 થી 20 સેકંડનો પોતાનો વીડીયો બનાવી તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર હેશટેગ *#VijaySankalp*સાથે અપલોડ કરીએ તથા સૌ ઓછામાં ઓછા ૧૦૦ નાગરિકો પાસેથી આ જ પ્રકારે વિડીયો બનાવી અપલોડ કરીએ એવું આહવાન પણ જીતુ વાઘાણીએ કર્યું છે.

મૂળ ગુજરાતના અને વિશ્વમાં જેઓ એક મોટા ઉદ્યોગપતિ તરીકે ખ્યાતનામ છે તેવા મુકેશ અંબાણીએ પણ ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ એક વિડિયો મેસેજ જાહેર કરીને ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના પાઠવી છે.