અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની શરુઆત નોંધાઈ ગઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે તો બીજી તરફ ઘણાં જિલ્લાઓ એવા છે કે જ્યાં મેઘરાજાએ આગમન કર્યું નથી. ત્યારે જોઈએ આંકડા અને જાણીએ કે રાજ્યના કયા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો છે.હવામાનવિભાગે કરેલી આગાહી મુજબ આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.
રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા- તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મી.મી. એટલે કે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૭૦ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૫૪ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦ તાલુકાઓમાં ઝાપટાથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ૭૦ મી.મી., ગીર સોમનાથના ઉનામાં અને ભાવનગરના પાલીતાણામાં ૬૦ મી.મી., અમરેલીના સાવરકુંડલામાં ૫૪ મી.મી. અને રાજકોટના ગોંડલમાં ૫૧ મી.મી. વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૯ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો અને એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં અમરેલીના બાબરામાં ૪૨ મી.મી., ડાંગના વઘઇમાં ૪૧ મી.મી., જૂનાગઢના વિસાવદરમાં ૪૦ મી.મી., દાહોદના ધાનપુરમાં અને સુરતના ઉમરપાડામાં ૩૯ મી.મી., મહેસાણાના બેચરાજીમાં ૩૮ મી.મી., સાબરકાંઠાના પોશીનામાં અને વડોદરાના ડભોઇમાં ૩૦ મી.મી., જામનગરના કાલાવાડમાં ૨૭ મી.મી. અને લાલપુર તાલુકામાં ૨૪ મી.મી. વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત હાલોલ, ચોટીલા, દાહોદ, સૂરત સીટી, વઢવાણ, અમરેલી, ખેડા, ગારીયાધર, ભચાઉ, સાયલા અને પારડીમાં મળી કુલ ૧૨ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે વલભીપુર, તાલાળા, ગરબાડા, બરવાળા, ઉમરગામ, ફતેપુરા, બોટાદ, લાઠી, ઝાલોદ, વાગરા, મૂળી, થાનગઢ,
અમદાવાદ સિટી, નસવાડી, બોરસદ, ડેસર અને રાણપુર મળી કુલ ૧૭ તાલુકાઓમાં ૬ મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૫ તાલુકાઓમાં ૬ મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો.