અમદાવાદઃ કોરોના વાઇરસને લીધે દેશઆખામાં લોકડાઉન છે ત્યારે લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેથી ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં પહેલી એપ્રિલથી વાજબી દરની દુકાનો દ્વારા 60 લાખ રેશનકાર્ડધારક પરિવારોને મફતમાં અનાજની વહેંચણી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં બેઠક કર્યા પછી કહ્યું હતું કે આ યોજનાનો હેતુ દૈનિક આજીવિકા રળતા મજૂરી પર નિર્ભર રહેતા લોકોને અને એપ્રિલનું અનાજ નહીં ખરીદવાવાળા ગરીબ લોકોને મદદ કરવાનો છે.
સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ અપાશે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં 60 લાખ રેશનકાર્ડધારક ગરીબ પરિવારો અથવા 3.25 લાખ લોકોને મફત અનાજ (ઘઉં, ચોખા, દાળ અને ખાંડ જેવી ખાદ્ય સામગ્રી) આપવામાં આવશે.
આ યોજના પહેલી એપ્રિલથી શરૂ થશે
પહેલી એપ્રિલથી શરૂ થનારી આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારની દરેક વ્યક્તિને સાડાત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, એક કિલો દાળ, એક કિલો ખાંડ અને મીઠું આપવામાં આવશે. રાજ્યમાં કોરોના વાઇરસના 38 મામલા સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે.
આવશ્યક ચીજવસ્તુઓની અછત નહીં સર્જાય
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ સ્થળે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા કે વિતરણની કમી નહીં સર્જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં દૈનિક 53 હજાર ક્વિન્ટલથી વધુ શાકભાજીની આવક છે. તેમાં મુખ્યત્વે લીલા શાકભાજી, બટાકા, ડુંગળી અને ટામેટાંનો પર્યાપ્ત જથ્થો હોય છે.