અમદાવાદઃ લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પરીક્ષાર્થીઓને તા.૬ ઠ્ઠી જાન્યુઆરીએ વિનામૂલ્યે મુસાફરી કરાવવાની જાહેરાતના અનુસંધાને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશને પરીક્ષાર્થીઓને એડવાન્સ બૂકીંગ સીસ્ટમનો ઉપયોગ કરીને બસમાં પોતાની સીટનું રિટર્ન ટિકિટ સાથે બૂકીંગ કરાવી લેવાની અપીલ કરી છે.
લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓની સવલત સચવાય અને વ્યવસ્થા જળવાય એ હેતુ એસ.ટી.નિગમના તમામ ડેપો, કંટ્રોલ પોઇન્ટ ખાતે એડવાન્સ બૂકીંગ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓના ફોટો આઇ.ડી.પ્રુફ, કોલ લેટરના નંબર પરથી પરીક્ષાર્થીઓની બસ ટિકિટ એડવાન્સમાં બૂક કરવામાં આવી રહી છે. આજ સુધીમાં ૬૫,૩૪૭ પરીક્ષાર્થીઓએ મુસાફરી ટિકિટોનું એડવાન્સ બૂકીંગ કરાવી લીધું છે.
એસ.ટી. કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, એસ.ટી.ના દરેક ડેપો પોતાની શિડ્યુલ ટ્રીપો ઉપરાંત લોકરક્ષક દળની ભરતી પરીક્ષા માટે જરૂરિયાત મુજબ એડવાન્સ બૂકીંગમાં નવી ટ્રીપો ઉમેરી રહ્યા છે. તમામ વિભાગો ખાતે લોકરક્ષક દળની પરીક્ષાના સંચાલન હેતુ ડેપો સ્ટેન્ડ ખાતે બેરીકેટ, બેનર્સ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, પીવાના પાણીની વ્યવસ્થા, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, મોબાઇલ ટોઇલેટ જેવી સુવિધાઓનું આગોતરુ આયોજન કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ ડેપો ખાતે મીકેનીકલ ટીમ જરૂરી સામાન સાથે રાઉન્ડ ધી ક્લોક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
એસ.ટી.ના દરેક વિભાગોમાં ૨૪x૭ કાર્યરત રહે તેવા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યસ્થ કચેરી, અમદાવાદ ખાતે પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પરીક્ષાર્થીઓને કોઇ તકલીફ ન પડે તેની ચીવટભરી વ્યવસ્થા કરવામાં આવી છે.