આગામી સત્રથી લાગુ થશે નવી શૈક્ષણિક નીતિ: પાસ-નાપાસ ફરી શરુ

અમદાવાદ- કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ રાજ્યમાં અત્યારે ધો.1થી8માં હાલનો ડિટેન્શન પોલિસી એટલે કે વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાની નીતિ અમલમાં છે. જેને કારણે વિદ્યાર્થીનું પરિણામ ખૂબ જ નબળુ હોય તો પણ તેને પાસ કરીને આગળના ધોરણમાં મોકલવામા આવે છે. આ માટે કેન્દ્ર સરકાર આરટીઈ એક્ટમાં સુધારો કરવા માટે વિધેયક રજૂ કરાયુ છે. આ વિધેયકને લોકસભા બાદ રાજ્યસભામાં પણ મંજૂરી મળી જતા હવે આગામી શૈક્ષણિક વર્ષ 2019-20થી ડિટેન્શન પોલિસી લાગુ થશે. હવે ધો.5થી 8માંજ વિદ્યાર્થીઓ પોતાની મહેનતથીના પરિણામે જ પાસ કે નાપાસ થશે.

વર્ષ 2009માં યુપીએ સરકારે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1થી 8માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની જોગવાઈ કરી હતી. આવી નીતિને કારણે બાળકોનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હોવાની રજૂઆત ગુજરાત સરકારે વર્ષ 2014માં એન.ડી.એ. સરકારને કરી હતી. નાપાસ નહી કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હતી તેવી વારંવાર રજૂઆતો કરાઈ હતી.

ભારત સરકારે ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરાશે તેવો આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. સપ્ટેમ્બર 2018માં તેને મંજૂર કરાયો હતો.

આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. આમ સંસદના બંને ગૃહોમાં આ વિધેયક દાખલ કરી પસાર કરવા બદલ શિક્ષણ મંત્રી ચૂડાસમાએ ભારત સરકાર અને માનવ સંશાધન વિકાસ મંત્રીનો ગુજરાત સરકાર વતી આભાર માન્યો હતો.

આ અંગે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિહ ચુડાસમાએ કહ્યું કે, ‘ભારત સરકારે ગુજરાત સરકારની રજૂઆતને ધ્યાનમાં લઇને ધો. 5 અને ધો. 8ની પરીક્ષામાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે તેવો આર.ટી.ઇ.એકટમાં સુધારો લાવતો ખરડો સંસદમાં સપ્ટેમ્બર-2018માં રજૂ કર્યો હતો. જેને હવે રાજયસભામાં પણ મંજૂરી મળી ગઇ છે.’