અમદાવાદઃ સામાન્ય રીતે શહેરની સરકારી દીવાલોની આસપાસ ગંદકીના ઢગલાં, દબાણો કે રાજકીય વ્યાવસાયિક જાહેરાતનાં પાટિયાં કે પોસ્ટર્સ જોવા મળે છે, પણ શહેરની મધ્યસ્થ જેલના વહીવટી સંકુલની બહારની દીવાલો પર ચિત્રો દોરવામાં આવ્યાં છે. રાજકોટથી આવેલા 50 જેટલાં ચિત્રકારોએ જેલની વિવિધ પ્રવૃત્તિઓનાં 90 ચિત્રો દીવાલો પર દોર્યા હતા. રાજકોટની ચિત્રનગરી તરીકે ઓળખાતી સંસ્થાના ચિત્રકારોએ ભેગા મળી અમદાવાદની મધ્યસ્થ જેલ વહીવટી સંકુલની દીવાલો પર પેઇન્ટિંગ કર્યાં હતાં.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સામાજિક સંસ્થાઓ અને અધિકારીઓની એક અનોખી કામગીરીને કારણે અસંખ્ય માર્ગોની દીવાલો અને સરકારી સંકુલોમાં સુંદર કલાત્મક વિષયો સાથેના ચિત્રો દોરવામાં આવ્યાં છે અને વૃક્ષારોપણ પણ થયાં છે.
મિશન સ્માર્ટ સિટી સંસ્થા, ચિત્રનગરીના જિતુભાઈ ગોટેચા ચિત્રલેખા. કોમને કહે છે કે સૌ પહેલાં અમે સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો, પછી વોલ પર થિમ સાથે પેઇન્ટિંગ શરૂ કર્યાં. અમારી સાથે જોડાયેલા 50 જેટલા કલાકારોએ અમદાવાદ જેલ સંકુલની દીવાલો પર 90 જેટલાં ચિત્રો દોર્યા છે. આ કલાકારોના ગ્રુપમાં એક અર્ધ-નારી પાયલ રાઠવા પણ છે. પાયલ રાઠવાએ વારલી પેઇન્ટિંગ વોલ પર તૈયાર કરી જેલની ગૌશાળા, દરજીકામ, બ્યુટી તાલીમ, ઇસ્ત્રી કામ જેવા વિષયો રજૂ કર્યા છે.
રાજકોટથી આવેલા અન્ય કલાકારોએ સુથારી કામ, વણાટ કામ, કેન્ટીન વિભાગ, રંગકામ, પરિવાર સાથે વિડિયો કોલિંગ જેવી જેલની પ્રવૃત્તિઓનાં ચિત્રો દીવાલો પર દોર્યાં છે.
આ સંસ્થા દ્વારા રાજકોટ જેલ બહાર પણ ચિત્રો દોરવામાં આવ્યા હતા.ચિત્રનગરી સંસ્થાએ છ વર્ષમાં રાજકોટમાં અનેક ફ્લાયઓવર, અન્ડરપાસ, રેલવે સ્ટેશનને જુદા-જુદા વિષયો સાથેનાં પેઇન્ટિંગ દ્વારા સુંદરતા આપવાનો પ્રયાસ કર્યો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)