અમદાવાદઃ આમદની અઠન્ની ને ખર્ચા રૂપૈયા જેવી વાત છે. રાજ્યમાં પાટણ જિલ્લામાં ચા વેચીને પરિવારનું પેટીયું રળતા વ્યક્તિને ઇન્કમ ટેક્સ વિભાગે રૂ. 49 કરોડ ભરવાની નોટિસ ફટકારી છે. બજાર સમિતિની મંડીમાં ચા વેચતા ખેમરાજ દવેને હવે પોલીસ અને વકીલોનાં ચક્કર કાપવા પડી રહ્યાં છે.
બનાસકાંઠાના રહેવાસી ખેમરાજ દવેએ 10 વર્ષ પહેલાં પાટણના નવાગંજમાં બજાર સમિતિની મંડીમાં ચા વેચવાનો પ્રારંભ કર્યો હતો. એ દરમ્યાન તેની ઓળખાણ અલ્પેશ પટેલ અને વિપુલ પટેલ સાથે થઈ હતી. બંને જણ દવેની દુકાન પર ચા પીવા આવતા હતા. તેણે તેમની પાસે બેન્ક ખાતાને પેન કાર્ડથી લિન્ક કરવામાં મદદ માગી હતી. દવેએ આઠ ફોટોની સાથે આધાર કાર્ડ અને પેન કાર્ડ પટેલ બંધુઓને આપ્યાં હતાં. થોડા દિવસો પછી તેમણે દવેને આધાર અને પેન કાર્ડ પરત આપ્યાં હતાં. દવેએ વધુમાં કહ્યું હતું કે તેણે એ દરમ્યાન કેટલાંક કાગળિયાં પર સહીઓ કરી હતી.
વર્ષ 2023 સુધી બધું સમુંસૂતરું હતું, પણ ઓગસ્ટમાં ઇન્કમ ટેક્સ તરફથી દવેને નોટિસ ફટકારવામાં આવી હતી. એ નોટિસ અંગ્રેજીમાં હતી. ત્યાર બાદ તેને વકીલ સુરેશ જોશી પાસેથી જાણવા મળ્યું હતું કે 2014-15 અને 2015-16ના નાણાકીય વર્ષમાં ગેરકાયદે લેવડદેવડ માટે IT વિભાગે પેનલ્ટી ફટકારી છે. દવેએ ખાતાની તપાસ કરી અને પાસબુક પ્રિન્ટ કરાવી, ત્યારે તેમાં કશું વાંધાજનક નહોતું લાગ્યું, પણ બેન્ક અધિકારીએ તેના નામે વધુ એક ખાતું હોવાનું જણાવ્યું હતું, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી રહી હોય, ત્યારે એવું લાગ્યું. આખરે દવેએ પાટણ પોલીસ પાસે કલ્પેશ પટેલ અને વિપુલ પટેલ પર છેતરપિંડીનો કેસ નોંધાવડાવ્યો હતો. દવેએ પોલીસમાં FIR કરીને તપાસની માગ કરી છે.