બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાનો મામલો, બીજા દિવસે પણ ધરણા યથાવત્

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રીના એક નિવેદનને લઈ લાગેલી વિરોધની આગમાં ઠરવાનું નામ જ નથી લઈ રહી. શિયાળું સત્રમાં અમિત શાહે એક નિવેદન આપ્યું હતું. જે બાદ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ વચ્ચે ગતરોજ (23 ડિસેમ્બર) અમદાવાદના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતાં.

 

આ વિરોધ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ આ બંધના એલાનને હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. સવારે 10 વાગ્યાથી ખોખરા સર્કલથી લઈ આસપાસના વિસ્તારોની દુકાનો પણ શરૂ થઈ ગઈ હતી. જે ચાલીને બહાર પ્રતિમા ખંડિત થઈ છે તે પ્રતિમાની બાજુમાં જ બંધનું એલાન હોવા છતાં દુકાનો ચાલુ જોવા મળી હતી. કોંગ્રેસના અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટર જગદીશ રાઠોડ અને અન્ય લોકો હાલ ખોખરા ખાતે સ્થાનિક રહિશો જોડે ધરણા પર બેઠા છે.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા. શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતિ વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. ગતરોજ વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા, ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવેલું જોયું હતું. પ્રતિમાને નુકસાન પહોંચાડી અને અપમાન કરવામાં આવ્યું હોવાને લઈને સ્થાનિક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કોઈ વ્યક્તિએ આ પ્રતિમાને નુકસાન કર્યો હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો જયંતિ વકીલની ચાલી બહાર પહોંચી ગયા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને નુકસાન પહોંચાડવામાં આવતાં આ મામલે ખોખરા પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.