અમદાવાદ-જ્યાં મેળા-મહોત્સવો અને પ્રદર્શનો મોટા પ્રમાણમાં થાય છે એવા 132 ફૂટ રિંગ રોડ પરના જી.એમ.ડી.સી પાસે આવેલા મેદાનમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન -ગુજરાત દ્વારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાઇ રહ્યો છે. 2018ના વર્ષની શરુઆતમાં જ 5 થી 8 જાન્યુઆરી સુધી યોજાનારા આ મેળામાં ગુજરાતની 3000 કરતાં વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ભાગ લેશે..
અત્યારના સમયમાં હિંદુ મેળાનો ઉદ્દેશ શું…..?જવાબમાં આયોજકો જણાવે છે કે હિંદુ સંપ્રદાયિકતા નહીં પરંતુ જીવન જીવવાની શૈલી છે…..જેથી હિંદુ સંસ્થાન દ્વારા ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાના જુદા જુદા કાર્યો સમાજ સમક્ષ પ્રદર્શિત કરાશે…લોકોનું જીવન ધોરણ સંસ્કારી બને, રાષ્ટ્રવાદી, જીવનના મૂલ્યોની સમજ આવે અને ઉચ્ચતમ રાષ્ટ્રનિર્માણ કરવાની પહેલ છે.
વનોનું સંવર્ધન, વન્યજીવનનું રક્ષણ, ઇકોલોજીની જાણવણી, પર્યાવરણનું જતન, પારિવારિક તેમ જ માનવીય મૂલ્યોને યાદ રાખવા, સ્ત્રીસન્માનની ભાવના કેળવવી, દેશપ્રેમનું સિંચન કરવું વગેરે મેળાના છ મુખ્ય વિષયો રહેશે.લોકો માટે મેળામાં કેટલાક આકર્ષણ પણ રાખવામાં આવ્યાં છે જેમાં 1001થી વધુ બહેનોની કળશ યાત્રા, 35 ફૂટ ઉંચું શિવલિંગ, 11 કુંડી યજ્ઞશાળા, પર્વત-ગંગાવતરણ, સોમનાથ મંદિરનું જીવંત દર્શન, સંતરામ મંદિર, ખોડલધામ, શેત્રુંજય વગેરે તીર્થની પ્રતિકૃતિ, માતૃપિતૃ વંદના, કન્યાવંદન, સુવાસિની વંદન, આચાર્ય વંદન, ભાતીગળ ગામડું, વિવિધ કલાકારીગરીનું પ્રદર્શન, મેળાના મુખ્ય સિદ્ધાંતોના આધારે તત્વમ( જીવનમૂલ્ય પ્રદર્શન),બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ, વિમાન-જહાજ અને એરગન શો, લશ્કરના શસ્ત્રોનું પ્રદર્શન તેમજ વિવિધ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અવધપૂરી સંકુલ, નરસિંહ મહેતા નગર ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાનારા આ મેળામાં સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજ, પૂ. રમેશભાઇજી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, (બંધુ બેલડી) અયોધ્યાપુરમ, વેન લામા લોબઝેંગ, મુખ્ય વક્તા તરીકે એસ. ગુરુમુર્તિજી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અહેવાલ–તસવીરઃપ્રજ્ઞેશ વ્યાસ