અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ધાર્યા કરતા સારો વરસાદ થયો છે, પરિણામે ગુજરાત માથે તોળાતું જળ સંકટ હવે સાવ પૂરું થઈ ગયું છે. સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે આ મહિનામાં સૌથી વધુ વરસાદનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં સરેરાશ 10.98 ઈંચ જેટલો વરસાદ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયો છે.
આખા ગુજરાતમાં કુલ 41.48 ઈંચ સાથે કુલ 129.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં જૂન મહિનામાં 4.27 ઈંચ, જુલાઈમાં 8.75 ઈંચ, ઓગસ્ટમાં 14.56 ઈંચ અને સપ્ટેમ્બરમાં 10.98 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં વર્ષ 2015 થી 2018 સુધીમાં સપ્ટેમ્બર મહિનામાં જેટલો વરસાદ પડ્યો છે તેનું ટોટલ કરીએ તોપણ વર્ષ 2019ના સપ્ટેમ્બર મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં પડેલા વરસાદનો આંકડો ઉપર જાય છે.
ઝોન પ્રમાણે વાત કરીએ તો, સોથી વધુ દક્ષિણ ગુજરાતમાં 78.42 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 38.66 ઈંચ, સૌરાષ્ટ્રમાં 33.81 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 27.75 ઈંચ અને કચ્છમાં 23.34 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. મોસમનો કુલ વરસાદ 129.43 ટકા થયો છે. હાંસોટમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોડિયામાં 5.5 ઈંચ, અંકલેશ્વર, ભરૂચ અને ઓલપાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. 20 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, જ્યારે 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે ઉત્તર ગુજરાતના સાબરકાઠાં, અરવલ્લી, પાટણમાં વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું છે. વહેલી સવારથી જ સાબરકાંઠાના વિજયનગર, હિંમતનગરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પોશીનામાં 76 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ઈડરમાં 6 મિમી, ખેડબ્રહ્મા 11 મિમી, હિંમતનગર 2 મિમી, વિજયનગરમાં 29 મિમી, વડાલીમાં 22 મિમી, તેમજ તલોદ અને પ્રાંતિજમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં ગુહાઈ જળાશયમાં 30 ક્યુસેક, હાથમતી જળાશયમાં 50 કયુસેક, હરણાવ જળાશયમાં 200 કયુસેક, જવાનપુરા જળાશયમાં 730 કયુસેક પાણીની આવક અને 730 કયુસેક પાણીની જાવક કરવામાં આવી છે.