અમદાવાદઃ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને આ વર્ષે કોરોના વાઇરસનું ગ્રહણ લાગેલું છે. ગુજરાત હાઇકોર્ટે શહેરમાં નીકળનારી રથયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ આ પહેલાં હાઇકોર્ટે એ જાણીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે રથયાત્રાના આયોજન અંગેની જવાબદારી લેવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ કેમ આનાકાની કરી અને જવાબદારી લેવામાં કેમ ઠાગાઠૈયા કર્યા.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટે પુરીની જગન્નાથ રથયાત્રા પર ફરમાવેલા મનાઇહુમને અનુલક્ષીને અને કોવિડ-19ના રોગચાળાને કારણે આ વર્ષે રથયાત્રાની કાઢવાની અને કોઈ પણ ધાર્મિક કે અન્ય પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવશે નહીં (હિતેષકુમાર વિઠ્ઠલભાઈ ચાવડા વિરુદ્ધ જગન્નાથ મંદિર ટ્રસ્ટ).
હાઈ કોર્ટે ખુલાસો માગ્યો
શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટે 18મી મેએ કરેલી રથયાત્રા કાઢવાના સંચાલન અંગેની અરજી પર સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય સમયે કેમ કોઈ નિર્ણય ના લઈ શકાયો એ વિશે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે ખુલાસો માગ્યો છે. જોકે ત્યાર બાદ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જો કોવિડ-19 રોગચાળા વચ્ચે રથયાત્રા યોજવામાં આવત તો સલામતીની ચિંતા હતી, કેમ કે આ રથયાત્રા ત્રણ કન્ટેનમેન્ટ ઝોન અને એક બફર કન્ટેનમેન્ટ ઝોનમાંથી પસાર થવાની હતી, જેમાં રોગચાળોનો ચેપ વધુ લોકોને લાગવાનો ડર હતો.
રાજ્યમાં કોઈ જગ્યાએ રથયાત્રા નહીં નીકળે
ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે આ વર્ષે અમદાવાદ અને ગુજરાતના અન્ય કોઈ જિલ્લામાં રથયાત્રા કાઢવા દેવામાં આવશે નહીં. અમે ફરીથી નિર્દેશ આપીએ છીએ કે આ સમયગાળા દરમ્યાન રથયાત્રા કે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા દેવામાં નહીં આવે.
રાજ્યના સત્તાવાળાઓએ નિર્ણય લેવામાં અસમંજસતા કેમ દાખવી?
કોર્ટે રાજ્યના સત્તાવાળાઓને સવાલ કર્યો છે કે રથયાત્રા અંગેની અરજી તો એક મહિના પહેલાં થઈ હતી તોપણ તેમણે આ અંગે નિર્ણય લેવામાં અવઢવતાં કેમ રાખી? એમ કોર્ટે નોંધ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનરે રથયાત્રા અંગે નિર્ણય લેવામાં નિષ્ક્રિયતા અંગે દાખવવા અંગે હાઇકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ચોક્કસ સમયગાળામાં રથયાત્રાના આયોજકો સાથે કેમ વાટાઘાટ ના કરવામાં આવી અને રથયાત્રાના ગણતરીના દિવસ પહેલાં અસમંજસતા ઊભી કરવામાં આવી. કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવવાની જવાબદારી ગૃહ વિભાગની છે, ત્યારે રથયાત્રા અંગે કેમ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું.
કોર્ટે સોગંદનામું દાખલ કરવા કર્યો આદેશ
આ પરિપ્રેક્ષ્યમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવને રથયાત્રાની અરજીના યોગ્ય સમયમાં નિકાલ નહીં કરવા બદલ સ્પષ્ટીકરણ માગતાં સોગંદનામા દાખલ કરવા આદેશ કર્યો છે. કોર્ટે આ બાબતમાં વધુમાં કહ્યું હતું કે છેલ્લા સમય સુધી નિર્ણય નહીં લઈને જેતે પક્ષકારોને કોર્ટમાં આવવા માટે મજબૂર થવું કેમ પડ્યું? એનો જવાબ આપો.
આ બાબતે અરજીકર્તા વતી સિનિયર વકીલ અનશિન દેસાઈને જુનિયર વકીલ નંદીશ ઠક્કર, એડવોકેટ સનત પંડ્યા અને વકીલ ઓમ કોટવાલએ કોર્ટમાં દલીલો કરવામાં મદદ કરી હતી.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, સરકારી દાવાને તૈયાર કરનાર મનીષા લવકુમાર શાહ, તેમને મદદ કરનાર ડીએમ દેવનાની અને પબ્લિક પ્રોસીક્યૂટર મિતેશ અમીન હાજર રહ્યા હતા.