ગાંધીનગરઃ રાષ્ટ્રીય નમૂના મોજણી (NSS) અંતર્ગત ૭૭મું આવર્તન તા.1 જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર-2019 દરમિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં ‘‘કુટુંબોની જમીન તેમજ પશુધન ધારકતા અને કૃષિ આધારિત કુટુંબોની પરિસ્થિતિનું મૂલ્યાંકન તેમ જ દેવું અને રોકાણ’’ વિષય અંગે માહિતી મેળવવામાં આવશે.
સર્વેક્ષણમાં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના નિયંત્રણ હેઠળની આંકડા અધિકારીની કચેરીનાં કર્મચારીઓ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પસંદ થયેલ ગામ તથા શહેરનાં વિસ્તારોની મુલાકાત લઇ ઘરેઘરે જઇ વિગતવાર નિયત થયેલ પત્રકમાં માહિતી મેળવશે.
આ કામગીરી રાષ્ટ્રીય કક્ષાની હોઇ તથા સર્વેક્ષણમાં મેળવવામાં આવનાર માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર માટે તથા યોજનાકીય બાબતો માટે થનાર હોઇ, તમામ નાગરિકોને આ કાર્ય માટે જ્યારે પણ સરકારનાં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર કચેરી હેઠળનાં આંકડા કચેરીના પ્રતિનિધિઓ આપના ઘરની મુલાકાતે આવે ત્યારે પૂરતો સહકાર આપવા માટે નિયામક, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.