જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા રોપ-વેનો પ્રારંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 24 ઓકટોબરે કરવામાં આવ્યો હતો અને એને મુલાકાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો છે. ગિરનાર રોપવે શરૂ થયાનાં માત્ર છ સપ્તાહના ટૂંકા ગાળામાં રોપ-વેએ એક લાખ મુસાફરોનુ વહન કરવાની સિદ્ધિ હાંસલ કરી છે, એમ ઉષા બ્રેકોએ જણાવ્યું હતું. કંપનીના રિજનલ હેડ-વેસ્ટ દીપક કપલીશે કંપની આ સિદ્ધિ માટે ગિરનાર રોપ-વેને વાસ્તવિકતા બનાવનાર તેના તમામ સહયોગીઓની આભારી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને પ્રવાસન પ્રવૃત્તિમાં વેગ આવી રહ્યો છે, ત્યારે અમે વધુ મહેમાનોને સર્વિસ પૂરી પાડવા માટે અને ભવિષ્યમાં વધુ સિદ્ધિ હાંસલ કરવા માટે આશાવાદી છીએ.
કંપનીએ આ પ્રસંગે કોવિડ-19 વોરિયર્સ અને સંરક્ષણ દળમાં કામ કરતી વ્યક્તિઓ માટે પણ વિશેષ યોજના રજૂ કરી છે. આ યોજના હેઠળ ડોકટરો, નર્સો, એમ્બ્યુલન્સના ડ્રાઇવર, પોલિસ, આશા વર્કર્સ અનેકોવિડ-19ની કામગીરી સંભાળી રહેલા મેડિકલ સ્ટુડન્ટસ, મિડિયા તેમ જ પાવર, ગેસ, ટેલિકોમ, સંરક્ષણ દળની વ્યક્તિઓ, અને તેમના પરિવારો અને મિત્રો નિયમિત ભાડાની તુલનામાં 40 ટકા ડિસ્કાઉન્ટથી રોપ વેની ટૂ-વે મોજ માણી શકશે. આ વિશેષ ઓફર 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. કંપનીએ પેસેન્જરો અને કર્મચારીઓની કોરોના વાયરસથી સુરક્ષા કરવા માટે વિસ્તૃત પગલાં અને પ્રોટોકોલ હાથ ધર્યો છે.