અમદાવાદ: સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ત્યારે સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં રોગચાળામાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી ગુજરાતના કેટલાક જિલ્લામાં પાણી જન્ય રોગાચાળામાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. ત્યારે આજે સુત્રો મળતા અહેવાલની માનીયે તો અમદાવાદમાં પાછલા એક સપ્તાહમાં મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો છે. આ સાથે જ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય તકલીફ પણ વધી જતી હોય છે. કારણ કે કેટલીક વખત પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતું હોય છે. જેથી પાણીજન્ય રોગની તકલીફ પણ રહે છે. અમદાવાદની હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 11,486 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જેમાંથી 1,240 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીને કારણે પણ દર્દીઓ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ચોમાસાની સિઝનને કારણે શહેરીજનો વાઇરલ ઇન્ફેક્શનના ભરડામાં આવે છે. આથી ગત એક સપ્તાહ દરમિયાન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1,794 દર્દીઓ નોંધાયા હતા.
નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં આ વખતે ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. તેવામાં ગત એક સપ્તાહ દરમિયાન હોસ્પિટલમાં ડેન્ગ્યુના 552 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી 88 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગના દર્દીઓ વધી જતા હોય છે. તેવામાં ગત એક સપ્તાહ દરમિયાન 468 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 20 દર્દીઓનો મેલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહ દરમિયાન ઝાડા-ઊલટીના 36 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ટાઈફોડ જેવી તકલીફ પણ પાણીને કારણે થતી હોય છે. ત્યારે એક સપ્તાહમાં ટાઈફોડના 157 દર્દીઓ નોંધાયા હતા. આ ઉપરાંત હીમોફીલે ડેકોર સેન્ટરમાં ગત સપ્તાહ દરમિયાન 70 કેસ નોંધાયા હતા. જેમાંથી 24 બાળકો, 46 વયસ્ક લોકોની સારવાર થઈ હતી.
પાણીજન્ય, મચ્છજન્ય રોગાચાળા સાથે ચાંદીપુરાનો કહેર
ઉલ્લેખનીય છે કે, એક તરફ વાઇરલ ઇન્ફેક્શન સાથે સાથે ચાંદીપુરા વાઇરસનો કહેર પણ રાજ્યભરમાં યથાવત્ છે. તેવામાં ગત સપ્તાહમાં 4 ઓગસ્ટના રોજ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક આઠ વર્ષનું બાળક કે જે ખોરજ ખાતે રહે છે તે ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ તરીકે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બાળકની સ્થિતિ હાલમાં સુધારા ઉપર છે. તેમ છતાં તબીબો દ્વારા બાળકને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. પરંતુ બાળકને હાલ સામાન્ય એન્ટીબાયોટિક સહિતની દવાઓ આપવામાં આવી રહી છે.