અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયા છે. હવે મતદારોને રીઝવવા દરેક પક્ષો સોશિયલ મિડિયા અને ડોર-ટુ-ડોર પ્રચાર કરશે. ભાજપ, કોંગ્રેસ અને વિવિધ પક્ષોએ મતદારોને આકર્ષવા માટે દરેક ચૂંટણીદાવ અજમાવ્યા છે.
રાજ્યમાં છ કોર્પોરેશનની ચૂંટણીમાં 10 જેટલા રાજકીય પક્ષો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. અન્ય પક્ષોમાં આમ આદમી પાર્ટી, એનસીપી, બીએસપી, જનતા દળ સેક્યુલર, સીપીઆઇ, એઆઇએમઆઇએમ સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં કુલ 1,14 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવી રહ્યાં છે. તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મોકલવાની કામગીરી કરવામાં આવી છે. EVM મશીનને ચેક કરી અને એને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આજે રાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ચૂંટણી તંત્ર દ્વારા શહેરમાં 48 વોર્ડમાં 192 સીટ પર મતદાન માટે 4550 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
સમગ્ર ચૂંટણીપ્રક્રિયાના વ્યવસ્થાપન 16 રિટર્નિંગ ઓફિસર અને 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારુ સંચાલન માટે 28,161 પોલિંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. આવતી કાલ સવારે મોક કોલ બાદ 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે મતદાન પૂરું થયા બાદ EVM ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકવામા આવશે.
રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાઓમાં મતદાનની અને 23 ફેબ્રુઆરી, 2021ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે.