ઓટો ક્ષેત્રમાં ‘મેડ ઈન ગુજરાત’ની બોલબાલા

અમદાવાદઃ પેસેન્જર કાર ઉત્પાદનમાં ગુજરાત દેશનું સૌથી મહત્ત્વપૂર્ણ હબ બની રહ્યું છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM- સિયામ)ના ડેટા અનુસાર વર્ષ 2019-20માં ભારતમાં 21.75 લાખ પેસેન્જર કારનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 7.10 લાખ કારોનું ઉત્પાદન ગુજરાતમાં થયું. આ રીતે જોઈએ તો દેશમાં બનતી દરેક ત્રીજી કાર ‘મેડ ઇન ગુજરાત’ છે. રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કાર કંપનીઓએ રૂ. 13,000 કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

સરેરાશ રીતે જોઈએ તો દેશમાં તૈયાર થતી પેસેન્જર કારોમાંથી આશરે 33 ટકા કારોનું ઉત્પાદન ગુજરાત કરે છે. રાજ્યમાં હાલ ચાર કંપનીઓ –મારુતિ સુઝુકી, ટાટા, ફોર્ડ અને એમજી મોટર્સના કાર ઉત્પાદનના પ્લાન્ટ્સ છે. હોન્ડા પણ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે કાર્યરત છે અને આવતા વર્ષમાં સંભવતઃ એનું કામ પણ શરૂ થઈ જશે.

સાણંદમાં ટાટા મોટર્સનો પ્લાન્ટ

2010માં સાણંદમાં ટાટા મોટર્સ પ્લાન્ટમાં પહેલી નેનો કાર બની હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એ સમયે ટાટા મોટર્સને સાણંદમાં પોતાની ડ્રીમ કાર નેનોનો પ્લાન્ટ લગાવડાવ્યો હતો. હવે આ પ્લાન્ટમાં ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન થઈ રહ્યું છે.

1996માં અમેરિકાની ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સે ગુજરાતના વડોદરાની પાસે હાલોલમાં પ્લાન્ટ લગાવ્યો હતો. જોકે 2017માં વેચાણ ઓછું થવાને કારણે અને વૈશ્વિક સ્તરે આર્થિક સંકટને કારણે કંપનીએ ગુજરાતમાં ઉત્પાદન બંધ કર્યું હતું. 2017-18માં એમજી (મોરિસ ગેરેજ) મોટરે જનરલ મોટર્સના હાલોલ પ્લાન્ટને ટેકઓવર કરીને પોતાની વિવિધ બ્રાન્ડનું ઉત્પાદન શરૂ કર્યું છે.

જ્યારે 2015માં ફોર્ડ મોટર ઇન્ડિયાએ સાણંદમાં પોતાની કારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. વર્ષ 2017માં સુઝુકી મોટર કોર્પોરેશને બલેનો કારનું ઉત્પાદન શરૂ કર્યું અને 2018માં સ્વિફ્ટ ગાડીઓનુ ઉત્પાદન પણ અહીં જ થઈ રહ્યું છે.

 બે વર્ષમાં સ્થાપિત ક્ષમતા 15 લાખે પહોંચવાની ધારણા

રાજ્ય સરકારના ઉચ્ચાધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ મળીને 10.90 લાખથી વધુ પેસેન્જર કારની ઉત્પાદન ક્ષમતા છે. મારુતિ આવનારા સમયમાં ઉત્પાદન ક્ષમતા વધારીને 2.50 લાખ કારોની કરવાની છે. આ સિવાય ફોર્ડ અને એમ એન્ડ એમ ગુજરાતમાં કાર બનાવવાની યોજના પર કામ કરી રહી છે. એક અંદાજ મુજબ આવતાં બે વર્ષમાં રાજ્યમાં કાર ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા 15 લાખ સુધી પહોંચે એવી ધારણા છે. હાલ રાજ્યમાં મારુતિ સુઝુકીની પાંચ લાખ, ફોર્ડની 2.40 લાખ, ટાટા મોટર્સની 2.50 લાખ અને એમજી મોટરની એક લાખ કારોની ઉત્પાદન ક્ષમતા છે.

2010થી અત્યાર સુધી કેટલું મૂડીરોકાણ આવ્યું?

રાજ્યમાં કાર ઉત્પાદનને 2009થી વેગ મળ્યો છે, જ્યારે ટાટા મોટર્સે એની ડ્રીમ કાર નેનોનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં જમીન વિવાદ પછી ગુજરાતમાં આવવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે મમતા સરકારે ટાટાનો સખત વિરોધ કર્યો હતો અને એનો લાભ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવતાં ટાટાને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં 2010થી અત્યાર સુધી ચાર કાર ઉત્પાદકો દ્વારા આશરે રૂ. 13,000 કરોડનું મૂડીરોકાણ થઈ ચૂક્યું છે. જેમાં ફોર્ડ દ્વારા રૂ. 5000 કરોડ, ટાટા મોટર્સ દ્વારા રૂ. 4500 કરોડ, એમજી મોટર્સ દ્વારા રૂ. 2250 કરોડ અને મારુતિ સુઝુકી દ્વારા રૂ. 1250 કરોડનું મૂડીરોકાણ થયું છે.    

હોન્ડા રૂ. 1200 કરોડનું મૂડીરોકાણ કરશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર હોન્ડાનો ટૂ વ્હીલર પ્લાન્ટ ગુજરાતમાં છે. હવે કંપની અહીં એની કારોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવા ઇચ્છે છે. એના માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે. કંપની રાજ્યમાં રૂ. 1200 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની એનો નવો પ્લાન્ટ એના વિઠ્ઠલપુર સ્થિત પ્લાન્ટની બાજુમાં જ સ્થાપશે.

ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન પણ ગુજરાતમાં

અન્ય દેશોની જેમ કેન્દ્ર સરકાર પણ ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં હાલ ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરી રહી છે. એમાં ટાટાની ઈ-કાર ટિગોર એના સાણંદ સ્થિત પ્લાન્ટમાં બની રહી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલને મામલે ટાટાની કારો સૌથી વધુ વેચાય છે.