હીટ વેવને પગલે નવ શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર જશે

અમદાવાદઃ રાજ્યમાં હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આવતી કાલથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના શહેરમાં ગરમીનો પારો વધ્યો છે. બેથી 3 ડિગ્રી તાપમાન વધશે.  ત્યારે માર્ચ મહિનાના પહેલા સપ્તાહથી ગરમી વધશે, જેમાં 9 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચશે. જોકે હાલ સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલી અને સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી નોંધાયું છે.હવામાન આગાહી કરી છે કે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થશે. જોકે  27 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. હવામાન વિભાગ દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગરમીને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. હીટવેવની શક્યતાને પગલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવશે. માર્ચ મહિનાથી સોલા સિવિલમાં હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ થશે.

ઇમરજન્સી વિભાગમાં શરૂ થનારા આ વોર્ડમાં પ્રારંભિક તબક્કામાં 15 બેડની સુવિધા રહેશે. રાજ્ય ગરમીના કારણે લૂ તેમ જ ઝાડા-ઊલટી સહિતના કેસમાં સતત વધારો થતો હોય છે. જેથી આ વોર્ડમાં આવા દર્દીઓને સ્પેશિયલ સારવાર મળી રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર થશે.