ગાંધીનગર– સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી ૧૨ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની આસપાસના ગ્રામીણ લોકોની સાથે દેશ – વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. તરણેતરનો મેળો જ્યાં ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતાં થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર ત્રિનેત્રેશ્વર છે, પાંચાલ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. એ વખતે ધીરેધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી એ જે ટોચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર છે.પાંચાલનો ઘેરાવો બહુ મોટો નથી પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટું મહત્વ છે. સ્કંધ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયાં અને છેલ્લું ૧ કમળ ખુટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તે ત્રિનેત્રેશ્વર કહેવાયા.
તરણેતર મેળા સંબંધિત કથાઓ
એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ પણ તેમનો કદાચ એ હોઈ શકે કે આ વિસ્તારની ગરીબ પ્રજા, અહીનું લોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે ? ગંગાજીના અવતરણને નિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, એ રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.
ઋષિઓની હાજરીમાં લોકો મળે એટલે લોકજીવને ધાર્મિક રંગ ચડે. ભજન, ભજનની રાવટીઓમાં આવતા માણસો લોકગીતો દ્વારા ભગવાનની આરાધના કરતાં હશે, ભગવાન વિષ્ણુંને યાદ કરતા હશે. આમ મુખ્યત્વે ધીરેધીરે સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિનો સમૂહ અહીંયા ભેગો થયો. એમાં ખાસ કરીને માલધારી સમાજ, મોટાભાઈ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, રબારી સમાજ, તળપદા કોળી સમાજ, ચુવાળિયા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજમાંથી ગરાસીયા દરબારો, કાઠી દરબારો આવતા. અહીંયા કોઈ ધાર્મિક ભેદભાવ ન હોઈ જતવાડમાંથી જત ડાયરો આવે, કાઠિયાવાડમાંથી કાઠી ડાયરો આવે અને બધા અહીંયા સમૂહગત રીતે ભેગા થાય.આ મેળામાં આવતા લોકોની તેમના પહેરવેશ ઉપરથી જ્ઞાતિ ઓળખાઈ જતી, એમનો એક આગવો પોશાક હતો, એમની પાઘડીઓહતી. એમના સાફા હતા. એમની ચોરણીઓ, એમના ઘરેણામાં પણ વિવિધતા હતી. એ આખી જે પરંપરા હતી તે હવે માલધારી સમાજે થોડીઘણી ટકાવી રાખી છે. બાકીનો સમાજ પોતાની પરંપરાગત રૂચિ અને ઘરેણાઓ છોડતો જાય છે. આ મેળામાં ચોર ડાકુઓ પણ આવતા, બહારવટીયાઓ પણ અહીં આવતા, સંતો પણ આવતા, સાધુઓ પણ આવતા. મેળાથી મેળાનું વરસ ગણાતું.
આ વિસ્તારમાં ખાસ કરીને તળપદા કોળી જ્ઞાતિ જે પાંચાળ વિસ્તારમાં સ્થિર થયેલી છે એને તો આ તરણેતરના મેળાનો એવડો મોટો પોરહ હતો કે, એક મેળો જાય એટલે તરત જ તે બીજા મેળા સુધી એની તૈયારીમાં લાગી જતી. બળદ માટેના શણગાર બળદગાડા અને એવું કૈક સજતું રહેતું અમુક – અમુક ગામના બળદગાડા વખણાતા. મેળામાં શણગાર સજીને આવતા દરેક ગામના બળદગાડાના અલગ – અલગ ઉતારા રહેતા. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી સતત રોકાય, આનંદ કરે.
મેળાને પણ ભૌગોલિક રીતે ત્રણ રીતે વહેંચી શકાય એમ છે. મંદિરથી પૂર્વ બાજુ જે તળાવ છે, એ તળાવમાં જીવન ખીલતું હોય તેમ જીતેલા જેને કમળ સાથે સરખાવી શકાય તેવા ફૂલો એ વખતે ખીલ્યા હોય છે. આપણને એમ થાય કે અહીંથી જીવન શરૂ થાય છે અને એ જીવનની ગતિ તળાવના કાંઠે આવે એટલે યૌવન સ્વરૂપે રમવા માંડે છે. બચપણ યૌવનમાં રમે અને યૌવન બચપણમાં રમતું હોય એવું તાદ્રશ ત્યાં ખડુ થાય. થોડી ઉમર વધે એટલે બજાર આવે. જયાં વ્યવહાર કરાતા હોય, ખરીદી થાય, ખરીદી કેમ કરવી એ શિખવામાં આવે, પ્રૌઢાવસ્થા ઢળતી થાય એટલે મંદિરમાં દર્શન થાય છે. દર્શન કરી અને મેળો પશ્ચિમ બાજુ જયાં પૂરો થાય ત્યાં રાવટીઓ હોય. ઉત્તરાવસ્થામાં રાવટીઓમાં ભજન કરીને મેળો પુરો થતો હોય. દરેક ઉંમર પ્રમાણેનો આ મેળો ભરાતો હોય છે.આ મેળાની વિશેષતા ઘણી બધી છે, પણ સૌથી વધારે જો આ મેળાની અંદર કોઈ મહત્વનું પાસુ હોય તો આ મેળાની રાવટીઓ છે. રાવટીઓમાં ભજન કિલ્લોલ થતા હોય. આ તરણેતરના મેળાએ ઘણા બધા મોટા મોટા કલાકારો આપ્યા છે. હેમુભાઈ ગઢવીએ પણ આ મેળામાં ભજન ગાયેલા, શકિતદાન ગઢવીના સ્વરૂપે જયારે નારાયણ સ્વામી હતા ત્યારે આ મેળાની રાવટીઓમાં ખુબ ભજનો એમણે ગાયેલા, આવી પવિત્ર ભૂમિ અને એ ભૂમિમાં મેળાની અંદર વિવિધતા અને તેને અનુલક્ષીને તેની જાહેરાત સ્વરૂપે મેળાની અંદર માણસોનું પ્રમાણ વધતું ગયું, તરણેતરના મેળાનો એક બહુ પ્રસિધ્ધ કિસ્સો છે કે, વિમાસણ બાપુ કરીને પાળીયાદના એક મહંત થઇ ગયા, એ એમની જુવાનીમાં પોતે બહુ તોફાની હતા. ઘોડુ લઇને નીકળતા. એમનું સોનગઢના આપા ગોરપ્પા અને ચલાલાના આપા દાના નામના બે સંતોએ તરણેતર નજીકના જંગલમાં હદય પરિવર્તન કર્યુ અને તરણેતરના મંદિરમાં ખાખરીયા હનુમાનની જે જગ્યા છે, ત્યાં લાવી અને ગોળ ચોખા રાંધી આખા મેળાને ખવડાવવાનો આદેશ આપ્યો. વધેલા ગોળ ચોખા પાળીયાદ લઇ જઇ સદાવ્રત આપવાનો આદેશ કર્યો હતો. એ વખતે બન્ને સંતોએ આપા વિહામણની બાવન ગજની જે પાઘડી હતી એ પાઘડીને ભગવા રંગમાં બોળી અને આપા વિહામણને આદેશ કરેલો કે તેમ ધજા ચડાવી દો, ભગવાન મહાદેવના મંદિર ઉપર એમણે ધજા ચડાવી ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર પાળીયાદની ધજા ચડે છે, એનું એક અનેરું ધાર્મિક આકર્ષક પણ છે.
પાંચાળ વિસ્તાર જોરૂકા માણસોનો વિસ્તાર છે. અહીં પ્રજા ખડતલ છે. પણ રમત ગમતનું પ્રમાણ બહું ઓછું, ગ્રામીણ રમતો એક જમાનામાં જે રમાતી એ ધીરે ધીરે ગામડાઓમાં લુપ્ત થતી ગઇ. જેને પુનઃજીવંત કરવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતે પહેલ કરી, તરણેતરના મેળામાં સીધે સીધો રસ લીધો જેના ફલસ્વરૂપે જે – તે સમયે તરણેતરના મેળાની કમિટીના ચેરમેન વગેરેએ મેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને જરૂર હતી એ પ્રમાણનું પંચાયત સાથે રાખીને સ્થાનિક આગેવાનોના સહકારથી ગ્રામ્ય રમતોત્સવનું આયોજન કર્યું.
આ ગ્રામ્ય રમતોત્સવની ખૂબ સારી અસર થઇ. ગામડાની અંદર જે ખમીર છે, તાકાત છે, ગામડાના યુવાનમાં જે આત્મ વિશ્વાસ છે, તેને જગાડવા માટેનું બહુસ્તુત્ય પગલું આ રમતોત્સવ દ્રારા ભરાયું હતું. એનાથી મેળાના બે ફાયદા થયા એક તો મેળામાં જે વિસ્તાર હતો એ વધ્યો. બહુ વિશાળ મેદાન તૈયાર થયું. અને સતત બે દિવસ સુધી રમતગમતની સ્પર્ધા થતી હોય એ બાબતે લોકોએ એટલી ઉત્સુકતાપૂર્વક રસ લીધો કે મેળાની અંદર જે એકદમ ગીચ ભીડ થતી હતી, એ બે ભાગમાં વહેચાઇ ગઇ. બીજી વસ્તુ એ બની કે શારીરિક સંપતિ અથવા તો શારીરિક સંપદા શરીર સૌષ્ઠવનું પણ કંઇક મહત્વ છે. એવું ગામડાના વિસ્તારનો જુવાન સમજતો ગયો એના કારણે ગામડામાં વ્યસનો ઉપર મર્યાદા આવી. માણસોએ વ્યસન છોડાવવાનું શરૂ કર્યુ.આ તરણેતરના લોકમેળામાં રાજય સરકારે બીજુ મહત્વનું પગલું ભર્યુ પશુ પ્રદર્શન હરીફાઇ યોજીને રાજયના પશુપાલન વિભાગ દ્વારા ૨૦૦૮ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરિફાઇનો પ્રારંભ કરવામાં આવ્યો જેના કારણે મેળામાં આવતાં પશુપાલકો પશુઓની ઓલાદોના શ્રેષ્ડ પશુઓને નજીકથી નિહાળી પશુઓના માલિકો સાથે શ્રેષ્ઠ ગુણધર્મોવાળા પશુઓ અને તેના થકી મળતું ઉચ્ચ વળતર તથા તેમનું સારામાં સારી રીતે પાલન કેવી રીતે કરી શકાય તે બાબતેનું જ્ઞાન મેળવતાં થયાં. ઉચ્ચ ગુણધર્મો વાળા પશુઓના બચ્ચાની ખુબ જ સારી કિંમત ઉપજતી હોય, સારા ગુણોધર્મોવાળા પશુઓ રાખવાથી થનાર ફાયદાઓ પશુપાલકોએ નજરે નિહાળ્યા અને તેના કારણે સામાન્ય પશુપાલકો પણ સારી ઓલાદના પશુઓ પાળવા પ્રેરાયા. જેની ખૂબ સારી અસર ગ્રામ્ય જીવન ઉપર થવા પામી છે.
ચાર દિવસ સુધી ચાલતા આ મેળામાં આરોગ્યની સાથેસાથે સ્વચ્છતા પણ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા વહિવટીતંત્રે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુકયો છે અને મેળાના મુલાકાતીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીના ૩૦ સ્ટેન્ડ ખાસ મુકવામાં આવશે.
આ ઉપરાંત આપણી સંસ્કૃતિમાં દર્શાવેલ વાજીંત્રોનું અસ્તિત્વ ટકી રહે તે માટે રાવણ હથ્થા જેવા સંગીતના વાદ્યની હરીફાઈ રાખવામાં ચાલુ વર્ષે રખાશે.
આમ જોવા જોઇએ તો, આ લોકમેળામાં સાચા અર્થમાં લોક સંસ્કૃતિ જીવંત રહે, લોકજીવન ધબકતું રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રયાસો થયા છે, જેના કારણે આજે તરણેતરનો આ ભાતીગળ મેળો દેશના સિમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મેળો બન્યો છે.