સુરતની યશકલગીમાં થયો વધારો, રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2023 મળ્યો

ડાયમંડ સિટી, ટેક્સ્ટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ સાથે ઝળકી રહ્યું છે. જેમાં હવે નેશનલ વોટર એવોર્ડ-2023ના વિજેતાઓની જાહેરાત સાથે ટર્શરી ટ્રીટમેન્ટ 1 સહિતની પાણીને લગતી દાખલારૂપ કામગીરી કરવા બદલ દેશમાં સુરત શહેર પ્રથમ નંબરે જાહેર થયું છે. ગત વર્ષે સ્વચ્છતા ક્ષેત્રે સુરત દેશમાં પ્રથમ ક્રમે મળ્યો હતો. ત્યારબાદ ગત મહિને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતને નંબર એકનું સ્થાન મળ્યું હતું. સુરતની યશ કલગીમાં વધુ એક ઉમેરો થયો છે. પાણી ક્ષેત્રમાં કરેલી કામગીરી બદલ બેસ્ટ અર્બન લોકલ બોડી તરીકે નંબર વનનો ખિતાબ મળવાનો હોય ત્રણેય ક્ષેત્રના એવોર્ડમાં સુરતનો દબદબો જોવા મળ્યો છે. 22 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને ટ્રોફી, ઈનામની રકમ એનાયત થશે.

ભારત સરકારના જળશક્તિ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સ, રિવર ડેવલોપમેન્ટ અને ગંગા રિઝુવેનેશન દ્વારા પાંચમા નેશનલ વોટર એવોર્ડ-2023ની જાહેરાત કરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ‘બેસ્ટ અર્બન લોકલ બોડી’ કેટેગરીમાં ‘ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સ એન્ડ મેકિંગ સિસ્ટમ સેલ્ફ સસ્ટેનેબલ ટુ સેલ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર’ વિષય સાથે દાવેદારી નોંધાવવામાં આવી હતી. દરમિયાન જળશક્તિ મંત્રાલય દ્વારા વિજેતાઓ જાહેર કરાયા છે. જે અન્વયે બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત ગંદા પાણીને શુદ્ધ કરી અંદાજિત 115 એમએલડી પાણી ઉદ્યોગને પૂરું પાડી વર્ષે 141 કરોડની આવક સુરત શહેર કરે છે. વિવિધ મિલકતોમાં 414 અને ખાનગી મિલકતોમાં અંદાજિત 4150 રિસોર્ચ બોરવેલ બનાવી ભૂગર્ભ જળસ્તરની જાળવણી બાબતે કામગીરી કરી છે. પાલિકા દ્વારા ટ્રી પ્લાન્ટેશનથી પર્યાવરણની જાળવણી સંબંધિત કામગીરી કરવામાં આવી છે. રેઇન વોટર રિચાર્જ તેમજ ટ્રી પ્લાન્ટેશનથી પર્યાવરણની જાળવણી સંબંધિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા છે