સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માર, વધુ એક રત્નકલાકારે જીવ ટૂંકાવ્યો

સુરત: છેલ્લા બે વર્ષથી સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીએ રત્નકલાકારોનું જીવન અંધકારમય બનાવી દીધું છે. રોજગારની તકો ઘટી જતાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું તેમના માટે ભારે મુશ્કેલ બની ગયું છે. આ આર્થિક સંકટની અસર એટલી ઊંડી છે કે ગત એક વર્ષમાં 65થી વધુ રત્નકલાકારોએ આપઘાત કરી લીધો છે. તાજેતરમાં કામરેજના શેખપુર ગામમાં એક રત્નકલાકારે આત્મહત્યા કરી, જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેણે રડતાં-રડતાં મંદીને આપઘાતનું કારણ ગણાવ્યું, જેનાથી સમાજમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતના કામરેજના શેખપુર ગામે આવેલા હરીદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાનાં સતરાવા ગામનાં રહેવાસી 40 વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌદરવા હીરા મજૂરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હીરામાં મંદી હોવાનાં કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. આખરે ગત તારીખ 1/4/2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 7 માર્ચના રોજ એક પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. આ પરિવારમાં માતા વનિતા સસાંગિયા, પિતા ભરતભાઈ સસાંગિયા અને 30 વર્ષીય પુત્ર હર્ષ સસાંગિયાનો સમાવેશ હતો. પિતા અને પુત્ર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, પરંતુ મંદીના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. ઘરમાંથી મળેલી સુસાઇડ નોટમાં લેણદારોની હેરાનગતિથી કંટાળીને આત્મહત્યાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ગંભીર મંદીએ રત્નકલાકારોને રોજીરોટી માટે મોહતાજ બનાવી દીધા છે. નાનકડી આવક મેળવવા માટે પણ તેઓ બીજા પર નિર્ભર થઈ ગયા છે. હીરાની ચમક પાછળ છુપાયેલા આ આર્થિક સંકટે ઘણા રત્નકલાકારોને અન્ય વેપાર-ધંધા તરફ વળવા મજબૂર કર્યા છે. જે લોકો પરિવારનું પેટ ભરવા વતન છોડી સુરત આવ્યા હતા, તેમાંથી ઘણા હવે હંમેશા માટે સુરતને અલવિદા કહી ચૂક્યા છે.