સુમુલનો 4500 કરોડનો વહીવટ કોણ સંભાળશે?

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઘરઆંગણે પ્રથમ કસૌટી

ભાજપ સામે ભાજપના જંગમાં કોંગ્રેસ કઈ ભાજપને સમર્થન આપશે?


સુરત : છેલ્લા એક માસથી સુરતમાં આવેલી સુમુલ ડેરીની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની હતી, આજે એનું પરિણામતો આવી ગયું છે પરંતુ ચિત્ર હજી સ્પષ્ટ નથી થયું. કારણ બે બળ્યા જે સુમુલનો 4500 કરોડનો વહીવટ કબ્જે કરવા મેદાનમાં ઉતર્યા હતા એ સુમુલના વર્તમાન ચેરમેન રાજુ પાઠક અને માજી સાંસદ અને માજી ચેરમેન માનસિંહ પટેલના જૂથને એક સરખી 8-8 બેઠક મળી છે. હવે ચેરમેન કોણ એ પ્રશ્ન મોટો છે અને એનો સ્પષ્ટ ઉત્તર કોઈની પાસે નથી. એક સમયે સુમુલનો જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે થતો હતો આ વખતે એ ભાજપ સામે ભાજપનો જ જંગ હતો. કુલ 16 પૈકી 4 ડિરેક્ટર કોંગ્રેસના છે અને એમણે પરિણામ કઈ તરફ જવું એનો કોઈ નિર્ણય કર્યો નથી. જયારે ચેરમેન-વાઈસ ચેરમેન પદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે એ મુજબ નક્કી થશે, મતલબ સાફ છે ચૂંટણી પહેલા સામસામે તલવાર ખેંચનાર માનસિંહ પટેલ અને રાજુ પાઠક એક સાથે બેસે તો નવાઈ નહિ.

વર્તમાન ચેરમેન સામે ગેરરીતિના આરોપ વચ્ચે ચૂંટણી થઇ હતી સુમુલ ડેરીના સત્તાધારી ચેરમેન રાજુ પાઠક સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો આરોપ લગાડીને સુમુલના માજી ચેરમેન અને માજી સાંસદ માનસિંહ પટેલે 2 કેન્દ્રીય મંત્રી, 2 સાંસદો અને સુગર-કો.ઓપરેટીવ બેંકના આગેવાનો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફરિયાદ કરી હતી. એ પછી જિલ્લા રજિસ્ટ્રારની બદલીનું રાજકારણ ચાલ્યું. એક તરફ રાજુ પાઠક અને સામે પક્ષે તમામ. રાજુ પાઠક સામેની લડાઈમાં કોંગ્રેસ પણ જોડાઈ ગઈ હતી. ભાજપ દ્વારા આ બંને જૂથો વચ્ચે સમાધાનના પ્રયત્નો કરાવ્યા છતાં અંતે ચૂંટણી યોજાય જ હતી. ઉમેદવારી ભર્યા અને પછી ખેંચાયા પછી પણ અનેક તડજોડ થઇ હતી. જૂથના આગેવાનોએ તો અનેક સમાધાન કર્યા હતા પરંતુ ઉમેદવારો પોતે પોતાની રીતે પણ લડ્યા હતા. શુક્રવારે યોજાયેલી સુમુલ ડેરીની 16 પૈકી બે બિનહરીફને બાદ કરતા 14 બેઠકની ચૂંટણીમાં તાપીની 7 અને સુરત જિલ્લાની 2 બેઠકો પર 100 ટકા જ્યારે સુરત જિલ્લાની બાકીની 5 પર સરેરાશ 96 ટકા મતદાન થયું હતું અને આજે એનું પરિણામ જાહેર થયું છે.  હવે ચેરમેનની નિમણુંક માટે કલેક્ટર દ્વારા બોર્ડ મિટિંગ જાહેર કરાશે અને બોર્ડમાં 16 ડિરેક્ટરો મત આપી ચેરમેન નક્કી કરશે. જોકે, ચેરમેનનું નામ જાહેર થતા એક સપ્તાહ લાગશે.

માજી મંત્રીને ચિઠ્ઠી એ જીતાડ્યા માજી મંત્રી અને ધારાસભ્ય એવા કાંતિ ગામીત સોનગઢ બેઠક ઉપરથી ઉમેદવાર હતા. સુમુલની ચૂંટણી પેહલા જ કાંતિ ગામીતની રાજુ પાઠક સાથેની ગોઠવણ બહુ  ચર્ચામાં આવી હતી. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા કાંતિ ગામીતને સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાગ્ય એ સાથ આપ્યો હતો. કારણ સોનગઢ બેઠક ઉપર કાંતિ ગામીત અને અરવિંદ ગામીત બંને ઉમેદવારને 57 – 57 માટે  મળતા ટાઈ થઇ હતી. એ પછી નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળતા કાંતિ ગામીતનું નામ નીકળતા એમને વિજેતા જાહેર કર્યા હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી આર પાટીલની પ્રથમ કસોટીસુમુલના વર્તમાન ચેરમેન રાજુ પાઠક સામે જયારે માનસિંહ પટેલએ ભ્ર્ષ્ટાચારના આરોપ કર્યા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ફરિયાદ કરવા ગયેલા ત્યારે એક સાંસદ તરીકે સી આર પાટીલ પણ એ પ્રતિનિધિ મંડળમાં હતા. એ પછી એ સુરત ખાતે સમાધાન અને રજૂઆત માટે મળેલી બેઠકમાં પણ સી આર પાટીલએ માનસિંહ પટેલ જૂથ વતી રજૂઆત કરેલી. એ રજૂઆત અને ચૂંટણી વચ્ચે સી આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બની ગયા છે. હવે એમણે જ ભાજપના બે બળ્યાની લડાઈમાં પોતાના શહેરમાં જ સમાધાન કરાવવાનું છે એ એમના શરુ થયેલા કાર્યકાળની પ્રથમ કસૌટી છે. એ પોતાના જુના મત ઉપર કાયમ રહે છે કે પછી પાર્ટીના હીતમાં બંને જૂથને શાંત કરે છે એ થોડા દિવસમાં સ્પષ્ટ થશે.

એક ફોર્મ્યુલા જે ચોક્કસ લોકોએ વહેતી કરી છે એ મુજબ ભાજપએ વચગાળાનો રસ્તો શોધી લીધો છે. એ જો સાચું હોય તો માનસિંહ પટેલ સુમુલના નવા ચેરમેન બનશે અને રાજુ પાઠક વાઈસ ચેરમેન. આ એટલા માટે કે એક સામાન્ય માંગ એવી રહી છે કે સુમુલના ચેરમેન કોઈ આદિવાસી હોવો જોઈએ અને એ માટે માનસિંહ પટેલને આગળ કર્યા છે.  અને જો સાચું બને તો ચૂંટણી આટલી ધાંધલ, એક બીજા સામેના અસંખ્ય આક્ષેપ, ખેંચતાણ એ બધાનું શું? બંને જૂથના આગેવાનએ જો વહીવટમાં ભાગબટાઈ (અલબત્ત પાર્ટીના મેન્ડેટ મુજબ) કરવાની હતી તો પછી સુમુલના અઢી લાખ સભાસદો અને સેંકડો દૂધ મંડળીઓને એક મહિનાથી કેમ ઉચાટભર્યા રાખ્યા?

કઈ બેઠક પર કોણ વિજય અને કેટલા મત મળ્યા 

ચોર્યાસી – સંદીપ દેસાઈ – ૬ મત(સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી છે. સુરત જિલ્લા સહકારી બેંક અને એપીએમસીના વાઇસ ચેરમેન છે)

બારડોલી – અજિત પટેલ – ૪૬ મત

માંડવી – રેસાભાઈ ચૌધરી – ૭૮ મત

કુકરમુંડા – સંજયભાઈ સૂર્યવંશી – ૨૦ મત

નીઝર – ભરતભાઇ પટેલ – ૧૭ મત

ઉચ્છલ – સુનિલભાઈ ગામીત – ૧૮ મત (સુનિલ ગામીત સોનગઢથી કોંગ્રેસના ધારાસભ્ય છે)

સોનગઢ – કાંતિભાઈ ગામીત – ૫૮ મત( કાંતિભાઈ ગામીત માજી  ધારાસભ્ય અને મંત્રી છે)

માંગરોળ – રાજેશકુમાર પાઠક – ૬૬ મત(રાજુ પાઠક સુમુલના વર્તમાન ચેરમેન છે)

ઓલપાડ – જયેશ પટેલ – ૩૮ મત (દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ હતા અને ચૂંટણી દરમિયાન ભાજપ પ્રવેશ કર્યો છે)

કામરેજ – બળવંત પટેલ – ૨૧ મત

પલસાણા – ભારત સિંહ સોલંકી – બિનહરીફ

મહુવા – માનસિંગ પટેલ – ૨૯ મત (માનસિંહ પટેલ માજી સાંસદ છે, સુમુલ, મહુવા સુગર અને ગુજરાત સુગર ફેડરેશનના ચેરમેન રહી ચુક્યા છે)

વાલોડ – નરેશ પટેલ – ૨૫ મત (નરેશ પટેલ સુરત જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે)

વ્યારા – સિદ્ધાર્થ ચૌધરી – ૫૪ મત (સિદ્ધાર્થ ચૌધરી વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને માજી સાંસદ/ધારાસભ્ય અમરસિંહ ઝેડ ચૌધરીના સુપુત્ર છે)

ડોલવણ – શૈલેષ પટેલ – ૨૭ મત

ઉમરપાડા – રિતેશ વસાવા – બિન હરફ

(રિતેશ વસાવા સુમુલના વાઇસ ચેરમેન હતા. ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર ગણપતસિંહ વસાવાના ભત્રીજા થાય છે)

( અહેવાલ : ફયસલ બકીલી – સુરત)