સુરતના સરસાણા ખાતે એસી ડોમમાં ધૂમધામથી ચાલી રહેલી જાણીતી ‘ઓજી નવરાત્રિ’માં ખેલૈયાઓની સલામતી સામે ગંભીર લાપરવાહી સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓચિંતા ચેકિંગ દરમિયાન સુરક્ષાના માપદંડોના ગંભીર ઉલ્લંઘનનો પર્દાફાશ થયો હતો. સ્થળ પર નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જણાતાં ફાયર વિભાગે તાત્કાલિક અસરથી ડોમ સીલ કરવા માટે ક્લોઝર નોટિસ જારી કરી ગરબા મહોત્સવ બંધ કરાવવા આદેશ આપ્યો છે, સાથે જ આયોજકો સામે ગુનો નોંધવા સ્થાનિક પોલીસને પણ સત્તાવાર લેખિત જાણ કરી છે.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા મુજબ, જાહેર જનતાની સુરક્ષા સર્વોપરી રાખીને અગાઉ એનઓસી અપાયેલી જગ્યાઓની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન દરમિયાન જણાયું કે સમગ્ર ડોમમાં મોટા પ્રમાણમાં અત્યંત જ્વલનશીલ સિન્થેટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની વચ્ચે ત્રણથી ચાર સંવેદનશીલ સ્થળોએ ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા લટકતા જોવા મળ્યા હતા. કોઈપણ ક્ષણે નાનકડા શોર્ટ સર્કિટથી પણ મોટો અગ્નિકાંડ સર્જાય તેવી ભયાવહ સ્થિતિ ઊભી થઈ હતી.
તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ બહાર આવી કે આયોજકોએ ફાયર એનઓસી મેળવતી વખતે રજૂ કરેલા મૂળ નકશામાં મનસ્વી રીતે ફેરફાર કરી નાખ્યા હતા. કટોકટીના સમયે બહાર નીકળવાના ઇમરજન્સી એક્ઝિટ અને સામાન્ય પ્રવેશદ્વારોના પોઈન્ટ બદલી નંખાતા કોઈ અનિચ્છનીય ઘટના કે નાસભાગ વેળા હજારો નાગરિકોના જીવ તાળવે ચોંટી જાય તેવી સ્થિતિ હતી. આ ઉપરાંત, ડોમની અંદર ઊભા કરાયેલા ફૂડ કોર્ટમાં ભૂતકાળમાં બે વખત નોટિસ આપીને ૧૬ ગેસ સિલિન્ડર જપ્ત કરાયા હોવા છતાં, આયોજકોએ બેદરકારી ચાલુ રાખી ફરી ૬થી ૭ એલપીજી સિલિન્ડરનો ગેરકાયદે ઉપયોગ શરૂ કર્યો હતો. બંધ વાતાવરણમાં હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે સિલિન્ડર રાખવા એ સીધું મોતના મુખમાં ધકેલવા સમાન હોવાથી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે.






