સુરત – પ્રતિ વર્ષ ૨૭ માર્ચે આખી દુનિયાભરનાં રંગકર્મીઓ પોતપોતાની ભાષામાં નાટકો ભજવીને ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ ઉજવે છે.
ગુજરાતી રંગભૂમિ ઉપર ‘સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ્સ એસોસિએશન-SPAA’ અને કળાકારો આ દિવસને સુરત મહાનગરપાલિકા તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર, પાલ, અડાજણ, સુરત ખાતે અવનવા સીમાચિન્હ રચી ઉજવે છે.
ગયા વર્ષે ૨૪ તો આ વર્ષે ૪૮ કલાક અવિરામ નાટકોની ભજવણી કરી, વિશ્વમાં આ દિવસે ક્યાંય ન રચાઈ હોય તેવી વિક્રમી મંચલિપિ રચવા ‘SPAA’ અને કળાકારો તૈયારી કરી રહ્યાં છે.
‘રંગહોત્ર-૨’માં ગુજરાતની આગવી વૈશ્વિક ઓળખ ઉભી કરનાર વિવિધ ક્ષેત્રના ‘ગુજરાતનો નાથ’ની કૃતિઓ અથવા તેમના જીવન-કવન પર આધારિત કૃતિઓની ભજવણી મુખ્ય આકર્ષણ રહેશે. ઉપરાંત વર્ષ 2018-19 દરમિયાન સુરતના રંગકર્મીઓ દ્વારા તૈયાર થયેલા વૈવિધ્યસભર વિષયો પરના નાટકોનું મંચન કરીશું. જેમાં ૭૭ કૃતિઓમાં લગભગ ૩૦૦ કળાકારો, ૭૦૦ જેટલા પાત્રોને ૪૮ કલાક દરમિયાન મંચ પર રજૂ કરશે.
૨૭-૨૮ માર્ચ, ૨૦૧૯, બુધ-ગુરુવારે રસિક શહેરીજનોને આ બધા નાટકો નિ:શુલ્ક-વિનામૂલ્યે માણવા મળશે.
સુરત કેટલાયે વર્ષોથી અર્વાચીન પ્રયોગલક્ષી રંગભૂમિનું કાશી બન્યું છે.
છેલ્લા ચાર દાયકાથી ગુજરાતી રંગભૂમિ ઉપર સુરતની વિજય પતાકા લહેરાઈ રહી છે.
‘રંગહોત્ર-૨’નું ઉદઘાટન સુપ્રસિધ્ધ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા સંજય ગોરડીયાના શુભહસ્તે કરવામાં આવશે. અમુભાઈ તેજાણી, જનકભાઈ બગદાણાવાળા અને ધર્મેશ લવેંગીયાનો મહામૂલો સહકાર કળાકારોનું પીઠબળ બન્યો છે.