સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું, હીરા અને ઝવેરાતના આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટે આ દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર છે. નવા ભારતની શક્તિ અને દ્રઢતાનું પ્રતિક છે. વિશાળ જનસભાને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, ‘સુરતનો હીરા ઉદ્યોગ 8 લાખ લોકોને રોજગાર પૂરા પાડે છે. હવે નવું બુર્સ શરૂ થઈ જતાં રોજગારની વધુ દોઢ લાખ તકોનો ઉમેરો થશે. સુરત શહેરની ભવ્યતામાં આજે એક વધુ ડાયમંડ ઉમેરાયો છે. જ્યારે પણ દુનિયામાં આ ડાયમંડ બુર્સની વાત થશે ત્યારે સુરત અને ભારતનું પણ નામ લેવાશે.’
આ ડાયમંડ બુર્સ 67 લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં પ્રસરેલો છે. તે સુરત શહેરની હદના ખજોદ ગામમાં આવેલું છે. વિશ્વમાં આ સૌથી મોટી કોર્પોરેટ ઑફિસ ઈમારત છે. તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. હીરાના વ્યાપાર માટેનું આ ગ્લોબલ સેન્ટર છે જે વર્ષે રૂ. 2 લાખ કરોડનો વેપાર કરશે.
વડા પ્રધાન મોદીએ આજે સુરત મુલાકાત દરમિયાન શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલનું પણ ઉદઘાટન કર્યું હતું.