સૂરતઃ સંસારના સુખોપભોગ ત્યાગીને સંયમના પથ ઉપર ચાલી નીકળતાં પહેલાં યોજાયેલ એક દીક્ષાર્થી યુવતીની શોભાયાત્રાએ સૂરતવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. સૂરત શહેરમાં આજે જૈન યુવતી સ્તુતિ શાહની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. રાજ્યકક્ષાની શ્રેષ્ઠ નૃત્યાંગના રહેલી સ્તુતિની શોભાયાત્રા સચીન તેંડૂલકરે સૂરતમાં વેચેલી ફેરારી કારમાં નીકળી હતી. સ્તુતિ શાહે દીક્ષા લેતાં પહેલાં આ ફેરારીમાં શોભા યાત્રા કાઢી હતી. ફરારીમાં દીક્ષાની શોભાયાત્રા નીકળતાં અનેક લોકોના ટોળાં એકઠા થયાં હતાં. 10 દેશોનો પ્રવાસ કરનારી સ્તુતિ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ નૃત્યાંગના પણ રહી ચૂકી છે, પરંતુ હવે તેણીએ પોતાના જીવનના તમામ સુખોનો ત્યાગ કરી સંયમના માર્ગે જવાનો નિર્ણય કર્યો છે.
સંયમના માર્ગે જનારી દીક્ષા માટે નીકળનારી શોભાયાત્રા ફેરારીમાં નીકળે તેવી સ્તુતિના પિતાની ઇચ્છા હતી. સૂરતના અગ્રણી વ્યવસાયી અને દીક્ષા લેનારી યુવતીના પિતા સુરેશ શાહે જણાવ્યું હતું કે મેં મારી દીકરીના તમામ શોખ પૂરા કર્યા છે. જ્યારે તે સંસાર છોડીને જઈ રહી છે ત્યારે મારી ઇચ્છા હતી કે ફેરારીમાં તેની શોભાયાત્રા નીકળે. બાકી દીકરીની ઇચ્છા હતી કે બગીમાં તેની શોભાયાત્રા નીકળે.
સ્તુતિ શાહે જણાવ્યું હતું કે મેં જીવનમાં તમામ મોજ મસ્તી કરી અને તમામ શોખ પૂરા કર્યા હતાં પરંતુ મને અંતે સમજાયું કે જીવનો સાચો માર્ગ સંયમનો માર્ગ છે તેથી મેં તમામ સુખો ત્યજી સંયમના માર્ગે જવાનો નિર્ણય લીધો છે. દીક્ષાનું મુહૂર્ત લેવા ગયેલી સ્તુતિની દીક્ષા પહેલાં જે ફેરારીમાં શોભાયાત્રા નીકળી તે ફેરારી સચિન તેંડુલકરે એક વેપારીને વેચી છે. આગામી મહૂર્તોમાં સૂરત શહેરમાં 30થી વધુ દીક્ષા સમારોહ યોજાવાના છે ત્યારે તેનું મુહૂર્ત કઢાવા માટે આજે શાહ પરિવારે ફેરારીમાં શોભાયાત્રા કાઢી હતી.