ગુજરાતના શિક્ષણવિદોની પાટનગર ગાંધીનગર ખાતે મનોમંથન-સમૂહ ચર્ચા…

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીની પહેલથી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 માં રાજ્યોના સુઝાવ અને સૂચનો માટેની જૂથ ચર્ચામાં ગુજરાતના શિક્ષણવિદોની પાટનગર ગાંધીનગર ખાતે મનોમંથન-સમૂહ ચર્ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન પ્રધાન વિજય રુપાણીએ સંબોધન કરતા કેન્દ્ર સરકારની આ પહેલને નયા ભારતના નિર્માણમાં વડપ્રધાનના સંકલ્પના પાયારુપ ગણાવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે આપણી યુવાશક્તિ રાષ્ટ્રની એસેટ છે, તેનો રાષ્ટ્ર નિર્માણ અને ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવામાં વિનિયોગ કરવા, આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે. ૧૯૮૬ પછી પહેલીવાર કેન્દ્રની નવી સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને તે પણ સર્વગ્રાહી પહેલુઓને બારીકાઇથી આવરી લઇને ઘડવાની પહેલ કરી છે.

મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે આ નીતિના કેન્દ્ર સ્થાને –FOCUS માં શિક્ષણ અને વિદ્યાર્થી રહે તેમજ સમયાનુકૂલ બદલાવ અને આઝાદીના ૭૦-૭૫ વર્ષના અનુભવોની વ્યાપક ચર્ચા-મંથન આ જૂથ-ચર્ચામાં રહે તેના આધાર ઉપર ગુજરાત પોતાના સૂચનો આ નવી નીતિ માટે મોકલીને દિશા દર્શન કરે તેવી અપેક્ષા પણ મુખ્યપ્રધાને વ્યક્ત કરી હતી. પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને પદ્ધતિઓ અંગે લોકોના પરસેપ્શનને પણ ધ્યાનમાં લેવાની અને ભવિષ્યની પેઢી એવા યુવાઓના ઘડતરમાં સર્વગ્રાહી-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના પાસાઓ ધ્યાને રાખવા પણ સૂચવ્યું હતું. તેમણે સમગ્ર દિવસ દરમિયાન શિક્ષણ વિભાગ, તજજ્ઞો, શિક્ષણવિદોએ કરેલી ચર્ચામંથનના પ્રતિભાવો પણ  મેળવ્યા હતા. મુખ્યપ્રધાને આ પ્રતિભાવો-ચર્ચાઓને હજુ વધુ વ્યાપક અને સચોટતા સાથે પ્રસ્તુત કરવાનું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૧૯ના આખરી ઓપ આપવાના ભારત સરકારના પ્રયાસો અને હાથ ધરાયેલી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિસંવાદના પ્રારંભમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ એ ભાજપા સરકારની નહીં પણ ભારત સરકારની બની રહે તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રવ્યાપી પ્રયાસો આરંભ્યા છે. વડાપ્રધાને રાષ્ટ્રીય શિક્ષણનીતિ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્વે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ન્યુ ઇન્ડિયાની તથા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી શિક્ષણનીતિના ઘડતરની પ્રક્રિયા આરંભાઇ છે.

સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવતી ફરિયાદોનો ઉકેલ શિક્ષણમાં જ છે, તેમ જણાવી શિક્ષણપ્રધાને ઉમેર્યું હતું કે, સંસ્કાર સંપન્ન, અભ્યાસુ અને વૈશ્વિક, રાષ્ટ્રીય પડકારોને સમજી સર્વાંગી વિકાસ સાથેના બાળકનું ઘડતર શિક્ષણ જ કરી શકે અને નવી શિક્ષણનીતિમાં આ પ્રકારના સર્વાંગી શિક્ષણ પર ખાસ ભાર મૂકાશે. તેમણે જણાવ્યું કે સામાજિક દાયિત્વની જવાબદારી પણ શિક્ષણની જ છે, શિક્ષણ માત્ર આર્થિક ઉપાર્જનનું માધ્યમ નથી, ત્યારે શિક્ષણ વિદો આ દિશામાં પણ રચનાત્મક સૂચનો કરે તેમ તેમણે જણાવ્યું હતું.