સૂરત- સૂરત શહેરની બદસૂરતી હવે દિવસેને દિવસે વધતી જાય છે. અવારનવાર હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી રહે છે. સૂરતમાં સામાન્ય લોકો તો સુરક્ષિત નથી જ પરંતુ હવે હોમગાર્ડની બહેનો પણ સુરક્ષિત ન હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સૂરતમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી 24 મહિલાઓ પોતાના ઉપરી અધિકારીઓ સામે ફરિયાદ કરવા માટે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી.
હોમગાર્ડની મહિલાઓનો આરોપ છે કે, તેના ઉપરી અધિકારીઓ હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ તેમને શારીરિક અને માનસિક અત્યાચાર આપે છે. હોમગાર્ડ મહિલાઓનો આરોપ છે કે, ફરજ દરમિયાન તેમના ઓફિસર કમાન્ડિંગ તેમને ખોટી રીતે સ્પર્શ કરે છે એટલું જ નહીં તેમને ઘરકામ કરવા માટે પણ બોલાવાની ફરિયાદ કરી છે.
મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ અમે અનેકવાર અરજી આપી ચુક્યા છીએ. પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આજે તેઓ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચીને રૂબરૂ મળીને ફરિયાદ કરવા પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, હોમગાર્ડની મહિલાઓ જો સુરક્ષિત ન હોય તો સામાન્ય મહિલાઓની સુરક્ષા અંગે મોટો પ્રશ્ન ઊભા થાય છે.