સોના-ચાંદીમાં સપ્તાહના અંતે આવી સ્થિરતા. અમદાવાદમાં આજે સોનાની કિંમત ગઈકાલની તુલનાએ રૂ. 500 ઘટી રૂ. 75500 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે સપ્તાહ પ્રમાણે ભાવમાં સ્થિરતા દેખાય છે. ત્યારે બીજી બાજું ચાંદીની કિંમતોમાં પણ નરમાશ આવતી જોવા મળી રહી છે. ચાંદી સાપ્તાહિક ધોરણે રૂ. 2500 સસ્તું થયું છે. 13 જુલાઈએ રૂ. 93000 પ્રતિ કિગ્રા સામે આજે ચાંદીની કિંમત રૂ. 90500 પ્રતિ કિગ્રા નોંધાયું છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં ચાંદી આજે રૂ. 500 સસ્તી થઈ છે.
કિંમતી ધાતુની કિંમતો ઘટવા પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ તેમજ ગ્રાહકોનો અભાવ છે. તહેવારોની સિઝન શરૂ થવાની સાથે હવે સોના-ચાંદીમાં ગ્રાહકો વધવાની અપેક્ષા છે. જ્યારે વધુ પડતા ઊંચા ભાવના કારણે ગ્રાહકો પોતાની ખરીદી પર કાપ મુકવાની પણ આશંકાઓ સેવાય રહી છે.
MCXની વાત કરીએ તો, MCX પર સોનાનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામના રૂ. 73,204ના ભાવે ખૂલ્યો હતો, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડે ઉપરમાં રૂ. 74,731 અને નીચામાં રૂ. 72,919ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 844ના ઉછાળા સાથે રૂ. 74,155ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ. 759 ઊછળી રૂ. 59,830 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. 88 વધી રૂ. 7,297ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 760 વધી રૂ. 73,965ના સ્તરે પહોંચ્યો હતો.
જ્યારે ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ. 94,011ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 94,054 અને નીચામાં રૂ. 91,391ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 2,418ના ભાવઘટાડા સાથે રૂ. 91,772ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 2,334 ગબડી રૂ. 91,759 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 2,334ના કડાકા સાથે રૂ. 91,744 બંધ થયો હતો.
