અમદાવાદઃ હોસ્પિટલમાં દાખલ વડા પ્રધાનનાં માતા હીરાબાના આરોગ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમને હવે એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, એમ રાજ્યના મુખ્ય પ્રધાનની ઓફિસ તરફથી આ માહિતી આપવામાં આવી હતી.
યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં હીરાબાની તબિયત ગઈ કાલની સરખામણીએ વધુ સુધારા પર છે. હીરાબાએ આજે તેમણે લિક્વિડ ફૂડ પણ લીધું હતું. જ્યારે આજે MRI અને સિટી સ્કેન બાદ ડૉક્ટર્સ દ્વારા તેમને રજા અપાય એવી શક્યતા છે. ગઈ કાલે વડા પ્રધાન મોદી માતાના ખબરઅંતર પૂછવા અમદાવાદની હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આશરે દોઢ કલાક સુધી રોકાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે ગઈ કાલે બુધવારે સવારે યુ.એન. મહેતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ આજકાલમાં રજા અપાશે. હીરાબાની યુ.એન. મહેતા હોસ્પિટલના છ એક્સપર્ટ ડોક્ટર તેમ જ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. હાલ હીરાબાની તબિયત સ્થિર છે. ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.
તેમણે જણાવ્યું હતું કે બાની તબિયત ખૂબ જ સરસ છે. ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એકાદ દિવસમાં રજા અપાશે.
