ગાંધીનગર- ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા બજેટ સત્રમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવાશે.
કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નીતિન પટેલે ઉમેર્યું કે, આ સ્થળે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સરદાર સાહેબના જીવનકવનથી લોકો માહિતગાર થાય તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રવાસન સુવિધાઓ સમયાનુસાર વિકસાવાશે.
પટેલે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેઝમેન્ટમાં વૈશ્વિક સ્તરનું ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શનનું નિર્માણ કરાયું છે. જેમાં આઝાદીની લડત સમયના સરદાર સાહેબના સંસ્મરણોને આવરી લેવાયા છે. સાથે સાથે પ્રતિમા પર વ્યૂઈંગ ગેલેરી
પણ બનાવાઈ છે. જેના પરથી નર્મદા મૈયાના દર્શન થાય છે. સરદાર સાહેબના જીવન-કવનને આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો કે જે પ્રતિમા ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ છે તે ભારે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળોએ જેમ સોવેનિયર શોપ હોય છે એ જ રીતે અહીં પણ સરદાર સાહેબની ચીજવસ્તુઓના વેચાણ માટે પણ સોવેનિયર શોપ બનાવાઈ છે. જેમાં દરરોજ ૪૦ થી ૫૦ હજાર ચીજવસ્તુઓનું વેચાણ થાય છે.
એ જ રીતે નર્મદા નદીના પટ પર બેસીને મનમોહક દ્રશ્યો જોવા મળે તે માટે ફ્લાવર ઓફ વેલીનું પણ નિર્માણ કરાયું છે. જેમાં રંગબેરંગી ફૂલો આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. સાથે સાથે એકતા નર્સરી,સરદાર વન અને બટરફ્લાય પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે. સહેલાણીઓને આ સ્થળો જોવા માટે તેમજ રહેવાની સાથે કુદરતી નજારો મળી રહે તે આશયથી અદભૂત ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. ઉપરાંત સરદાર સરોવર ડેમ રીવરબેડ પાવર હાઉસ જોવાની પણ સહેલાણીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
(પરેશ ચૌહાણ)