ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બીજી બેઠક મળી હતી. રાજ્યના પ૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડ-બેટના પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની સંભાવનાઓ અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને ૧૪૪ થી વધુ આઇલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આઇલેન્ડ ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી આ ઓથોરિટીના અધ્યક્ષ તેમજ નાયબ મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી, વન-પર્યાવરણ મંત્રી સહિત વરિષ્ઠ સચિવો આ ઓથોરિટીના સભ્ય તરીકે સેવાઓ આપે છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે
વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની બીજી બેઠકમાં ટાપૂઓ પર પ્રવાસન સહિતના સર્વગ્રાહી વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, જિલ્લા કલેકટરો દ્વારા પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમજ કેડીયા બેટ જેવા ૧૩ જેટલા ટાપૂઓની વિકાસ સંભાવનાઓ વાળા ટાપૂ તરીકે ઓળખ કરવામાં આવી છે
આ બધા ટાપૂઓનો ડ્રોન ટેકનોલોજી દ્વારા મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવેલો છે. આ ટાપૂઓની પસંદગી વિશેષતાઓ તેમજ ભરતી વેળાની સ્થિતી વિષયક બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને પિરોટન ટાપૂ અને શિયાળ બેટ ટાપૂની પ્રવાસન વિકાસ સંભાવનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી
પિરોટન ટાપૂ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોચી શકવાની બાબતે આ ટાપૂ પર લીમડો, કાથી, આંબળા, બાવળ જેવા વૃક્ષો અને ચેરના વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપૂ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરે ને કારણે ટાપૂના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે તેની વિશેષ ચર્ચા બેઠકમાં થઇ હતી.
શિયાળ બેટ ટાપૂના સંદર્ભમાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે, નજીકના પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ સુવઇ બેટનું અંતર તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત, વીજળી અને પાઇપ લાઇનથી પાણી પૂરવઠો, સોનેરી રેત ધરાવતો સમૂદ્ર પટ – બીચ વગેરેને પરિણામે ત્યાં પણ પ્રવાસન વિકાસ સંભાવનાઓ રહેલી છે.
મુખ્યમંત્રીએ આ બે ટાપૂઓની સ્થિતીનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વ્યાપક વિકાસ સંભાવનાઓ તલાશવાનું પ્રેરક સૂચન કર્યુ હતું. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી તેમજ મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ, ગૃહ, વન પર્યાવરણ, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવશ્રીઓ તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ, બંદરો, મત્સ્યોદ્યોગ, માર્ગ અને પ્રવાસનના અગ્ર સચિવશ્રીઓ, મેરિટાઇમ બોર્ડના સી.ઇ.ઓ અને મુખ્યમંત્રીના સચિવ પણ જોડાયા હતા.