ધાબા પર સોલાર પેનલ લગાવીને કમાણી કરોઃ ગુજરાત સરકારની નવી સોલાર નીતિ

ગાંધીનગરઃ ગુજરાતના ઉર્જાપ્રધાને રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી સૂર્યઉર્જા રુફટોપ સોલાર એનર્જી રુફટોપ યોજનાની વિગતો આપી છે. ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સતત અવિરત મળતા સૂર્યપ્રકાશની ઊર્જાશકિતનો સૌર ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને રાજ્યના હરેક ઘરમાં સોલાર રૂફટોપ યોજનાથી વીજ ઉત્પાદન – ગ્રીન કલીન એનર્જીનો નવતર અભિગમ રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે.તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યના ઊર્જા વિભાગે આ સોલાર રૂફટોપ યોજનાનો વ્યાપક વિનિયોગ કરીને ગુજરાતને કલાયમેટ ચેન્જના પડકારો સામે પ્રદૂષણમુક્ત – પર્યાવરણપ્રીય સૌરઊર્જા ઉત્પાદનનો દિશાદર્શક માર્ગ દેશને ચીંધ્યો છે. ઊર્જા પ્રધાને જણાવ્યું કે, આ સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ઘરગથ્થુ વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી – ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌરઊર્જા ઉત્પન્ન કરી શકશે. એટલું જ નહિ, આ સૌરઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી સરકારને રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે ૨૫ વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે.

રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ ૩ કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર ૪૦% તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટ થી વધુ અને ૧૦ કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર ૨૦% સબસીડી મળશે. એટલે કે કોઇ અરજદાર ૧૧ કિલોવોટ સોલર સિસ્ટમની માંગણી કરે તો પ્રથમ ૩ કિલોવોટ ઉપર ૪૦% અને પછીના ૭ કિલોવોટ ઉપર ૨૦% સબસીડી અને તે બાકીના ૧ કિલોવોટ ઉપર શૂન્ય ટકા સબસીડી મળવા પાત્ર થશે તેમ તેમણે જણાવ્યું હતું.

ઊર્જાપ્રધાને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્નું છે કે, ભારત પ્રદૂષણમુકત તથા સ્વચ્છ પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરે. ૨૦૨૨ સુધીમાં ૧ લાખ ૭પ હજાર મેગાવોટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના વડાપ્રધાનના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહેશે.

તેમણે ઉમેર્યુ કે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે આ વર્ષના રાજ્યના બજેટમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે જે પાંચ ક્ષેત્રો પર ફોકસ કર્યુ છે તેમાં પ્રદૂષણ રહિત ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનનો પણ સમાવેશ કરેલો છે. આ હેતુસર રાજ્યમાં ગ્રીન કલીન એનર્જીને વેગ આપવા મુખ્યપ્રધાને રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટને પરવાનગી નહિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે. હવે, સોલાર રૂફટોપને વેગ આપીને સ્વચ્છ-સસ્તી અને સાતત્યપૂર્ણ સૌરઊર્જાનો રાજ્યમાં વપરાશ કરવાની નેમ છે.

‘‘ગુજરાત સોલાર રૂફટોપમાં તા.૩૧ માર્ચ-ર૦૧૯ સુધીમાં ૩ર૬.૬૭ મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે વહેલા તે પહેલા ના ધોરણે બે લાખ સોલાર રૂફટોપ તેમજ આગામી ૩ વર્ષમાં ૮ લાખ સોલાર રૂફટોપથી ૧૮૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે’’ એમ પણ ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યમાં તા. ૩૧ ઓગસ્ટ-ર૦૧૯ની સ્થિતીએ રહેણાંક હેતુના પ૩,પ૬૭ અને બિનરહેણાંક હેતુના ૩૮૪૮ ગ્રાહકો મળી કુલ પ૭૪૧પ વીજ વપરાશકારોએ ૩૯૭.૩૧ મેગાવોટ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા સોલાર રૂફટોપમાં મેળવી છે.