અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા મુસાફરોને સારી સુવિધા અને સારી સેવા મળી રહે તે હેતુથી ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ શરુ કરવામાં આવી છે. આજથી અમદાવાદ- હરિદ્વાર, વારાણસી અને ગોવા સુધીની વોલ્વો બસ શરુ કરવામાં આવી છે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે 9 બસોને લીલી ઝંડી આપી છે. તો આ સાથે જ એસટી વિભાગમાં નવા પસંદ કરાયેલા 1954 જેટલા કંડક્ટરોને નિમણૂકપત્ર પણ આપવામાં આવ્યા છે. અમદાવાદથી વારાણસીનું ભાડું 3315, અમદાવાદથી હરિદ્વારનું ભાડુ 2696 રુપિયા અને અમદાવાદથી ગોવાનું ભાડુ 3320 રુપિયા હશે.
વારાણસી માટે એસટીની વોલ્વો બસ સાંજે 8 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે વહેલી સવારે 5:30 વારાણસી પહોંચાડશે. એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય તેના કરતા ઓછા સમયમાં એસટીની બસ વારાણસી પહોંચી જશે.
બસમાં અંદાજે 33 કલાક જેટલો સમય લાગશે. વારાણસી માટે રૂપિયા 3315 ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત હરિદ્વાર માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે રૂપિયા 2696 ભાડું ચુકવવાનું રહેશે. અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટીનો વોલ્વો બસ ઉપડશે. આ બસ તમને બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે રૂપિયા 3320 ભાડું ચુકવવું પડશે.
દેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવી રહી છે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. ચંદીગઢ માટે રૂપિયા 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચાડશે.
1954 કંડકટરોને નિમણૂકપત્ર અપાયાં
આ સાથે સીએમ રુપાણીએ ગુજરાત એસટીનિગમમાં નવા જોડાઈ રહેલાં 1954 કન્ડક્ટર યુવાયુવતીઓને નિમણૂક પત્રો એનાયત કર્યાં હતાં.ઇન્ટર સ્ટેટ બસનો પ્રારંભ કરાવતા તેમણે જાહેર કર્યું કે એસટી નિગમની ઓફિશિયલ ઈ બૂંકિંગ સાઈટ તેમજ મોબાઈલ બુકિંગ એપ્લિકેશનથી ટિકિટ બુકિંગ પર 4 થી 6 ટકા ડિસ્કાઉન્ટ અપાશે..
આ સન્દર્ભ માં તેમણે કહ્યું કે પ્રીમિયમ બસ અને એસી તથા વોલ્વો બસ ના આવા બુકિંગ માં 6 ટકા તેમજ નોન પ્રીમિયમ બસ ગુર્જર નગરી એક્સપ્રેસ કે સાદી સ્લીપર બસના ભાડામાં 4 ટકા ડિસ્કાઉન્ટ અપાવાનું છે. સીએમ રુપાણી એ જે 30 પ્રીમિયમ બસોને આંતરરાજ્ય બસ સેવા પ્રસ્થાન સંકેત આપી રવાના કરાવી તેમાં વારાણસી, ગોવા, નાથદ્વારા, હરિદ્વાર, ગોવા તેમ જ ઉત્તરાખન્ડ, હરિયાણા રાજ્યોનો સમાવેશ થાય છે.