અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ઐતિહાસિક નદી સાબરમતી નદીને સ્વચ્છ કરવાની મહાઝૂંબેશનો પ્રારંભ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આ નદીના તટ પર ઘણા ઐતિહાસિક સંકલ્પો લેવાયા હતા અને આ નદીને સ્વચ્છ કરી આપણે ઇતિહાસ રચી વિશ્વને પ્રેરણાદાયી બની રહીશું.
સાબરમતી નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની નેમ વ્યક્ત કરતાં મુખ્યપ્રધાને નદીઓની સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ દિવસ છે, ત્યારે મહાનગરપાલિકા અને આ મહાયજ્ઞમાં જોડાયેલા નગરજનોને અભિનંદન પાઠવી અવિરત આ યજ્ઞ ચાલુ રાખવા આહવાન આપ્યું હતું. આજથી પ્રારંભાયેલો આ મહાયજ્ઞ આગામી તા. ૯મી જૂન, ૨૦૧૯ સુધી ચાલુ રહેશે. પરંતુ આ મહાયજ્ઞ અવિરત ચાલુ રહે અને નગરજનો સવાર-સાંજ 1 કલાકનું યોગદાન આપે અને સ્વચ્છતાની નવી દિશા અંકિત છે તેમ પણ જણાવ્યું હતું.
સાબરમતી સ્વચ્છ મહાઅભિયાનમાં ૧૫ હજારથી વધુ નગરજનો જોડાયા હતા અને નદીને સ્વચ્છ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મહાયજ્ઞમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, ધારાસભ્યો, વરિષ્ઠ અગ્રણીઓ, પદાધિકારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થઓ-સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.